મણિપુરને ઉભું કરવા અને ત્યાંની મહિલાઓ અને બાળકોના આંસુ લુછવા અમે કામ કરીશું, મણિપુરમાં ફરી ઇન્ડિયાની વિચાર ધારાને જીવંત કરાશેઃ કોંગ્રેસના નેતા
નવી દિલ્હી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા પ્રહારોનો જવાબ આપતા ટ્વીટ કર્યું છે. આજે પીએમ મોદીએ વિપક્ષના ગઠબંધન ઈન્ડિયાની તુલના ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે કરી કરી હતી જેના પર રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરી હતી કે તમે જે ઈચ્છો તે વિચારી શકો છો મિસ્ટર મોદી. અમે ઇન્ડિયન છીએ અને મણિપુરને ઉભું કરવા અને ત્યાંની મહિલાઓ અને બાળકોના આંસુ લુછવા અમે કામ કરીશું. આ ઉપરાંત તેમણે એમ પણ લખ્યું કે, મણિપુરમાં ફરી ઇન્ડિયાની વિચાર ધારાને જીવંત કરાશે.
અગાઉ મોદીએ વિપક્ષો પર પ્રહાર કરતા કહ્યું કે, તેમના વર્તનથી એવું લાગે છે કે આ લોકો ઘણા દાયકાઓ સુધી સત્તામાં આવવા માંગતા નથી. આ દરમિયાન, તેમણે વિપક્ષના મહાગઠબંધનના નવા નામકરણ ઈન્ડિયા પર પણ પ્રહાર કર્યા હતા. વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા પર પીએમ બોલતા કહ્યું કે ઈન્ડિયા નામ તો ઈન્ડિયન મુજાહિદ્દીન જેવા આતંકી સંગઠનોના નામમાં પણ આવે છે અને ઈસ્ટ ઈન્ડિયા કંપનીના નામમાં પણ તેનો ઉલ્લેખ હતો.
વડાપ્રધાન મોદીએ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાનું નામ પણ લીધું હતું. તેમણે કહ્યું કે, આ સંગઠનના નામમાં પણ ભારત છે. દરમિયાન, ભારતમાં સામેલ વિપક્ષી પાર્ટીઓએ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. ટીએમસીના એક સાંસદે આ દાવો કર્યો છે.