આજે રોકાણકારોની સંપત્તિ 302.68 લાખ કરોડ થઈ છે, જે સોમવારના કારોબારી દિવસના અંતે રૂ. 301.93 લાખ કરોડ હતી

મુંબઈ
સપ્તાહનો બીજો કારોબારી દિવસ ભારતીય શેરબજાર માટે સામાન્ય રહ્યો. આજે બજારમાં ઘટાડો અટક્યો અને સપાટ સ્તરે બંધ થયું. અગાઉના બે કારોબારી દિવસમાં શેરબજારમાં આશરે 1200 પોઈન્ટનો કડાકો બોલ્યો હતો. આજે રોકાણકારોની સંપત્તિ 302.68 લાખ કરોડ થઈ છે, જે સોમવારના કારોબારી દિવસના અંતે રૂ. 301.93 લાખ કરોડ હતી.
આજે દિવસની શરૂઆત વધારા સાથે થઈ હતી પરંતુ દિવસના અંતે માર્કેટ ઘટાડા સાથે બંધ રહ્યું. વોલેટાલિટીના કારણે આજે સેન્સેક્સ 29.07 પોઇન્ટના ઘટાડા સાથે 66355.71 પોઇન્ટ અને નિફ્ટી 8.25 પોઇન્ટ વધારા સાથે 19680.60 પોઇન્ટ પર બંધ રહ્યા. આજે 1686 શેર વધ્યા, 1754 શેર ઘટ્યા અને 135 શેરમાં કોઈ બદલાવ થયો નહોતો.
હિન્દાલકો ઈન્ડસ્ટ્રીઝ, જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, એનટીપીસી અને અલ્ટ્રાટેક સિમેન્ટ નિફ્ટીના ટોચના વધનારા શેર્સ હતા. જ્યારે એશિયન પેઇન્ટ્સ, આઈટીસી, બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ડસઈન્ડ બેંક, એલએન્ડટી મુખ્ય ઘટનારા શેર હતા. મેટલ અને પાવર સેક્ટર 2 ટકા વધ્યા હતા, જ્યારે પીએસયુ બેંક, કેપિટલ, એફએમસીજી અને રિયલ્ટી 1 ટકા સુધી ઘટ્યા હતા. બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ 0.3 ટકા વધ્યા હતા.
બેંકિંગ, એફએમસીજી અને આઈટી શેરોએ આજે બજારનો મૂડ બગાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ત્રણેય સેક્ટરના શેરમાં વેચવાલી જોવા મળી . જ્યારે ઓટો, ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કોમોડિટી, ઈન્ફ્રા, એનર્જી, મેટલ્સ ફાર્મા સેક્ટરના શેર તેજી સાથે બંધ થયા હતા. નિફ્ટીના મિડકેપ ઈન્ડેક્સમાં તેજી જોવા મળી છે જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 13 વધ્યા અને 17 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 25 શેર વધીને અને 25 ઘટીને બંધ રહ્યા હતા.
શેરબજાર ભલે સપાટ સ્તરે બંધ થયું હોય પણ આજના ટ્રેડમાં રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો જોવા મળ્યો. બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 302.68 લાખ કરોડ રૂપિયા થયું છે. જે ગત ટ્રેડિંગ સેશનમાં 301.95 લાખ કરોડ રૂપિયા હતું. આજના ટ્રેડમાં રોકાણકારોની સંપત્તિમાં 73,000 કરોડ રૂપિયાનો વધારો થયો છે.
શેરબજારની શરૂઆત થતા જ બીએસઈનો 30 શેરો વાળા ઈન્ડેક્સ સેન્સેક્સ 146.42 પોઈન્ટ અથવા 0.22 ટકાના વધારા સાથે 66,531ના સ્તર પર ખુલ્યો હતો. એનએસઈનો 50 શેરનો ઈન્ડેક્સ નિફ્ટી 57.00 પોઈન્ટના વધારા સાથે 19,729.35ના સ્તર પર ખુલ્યો હતો.