હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મોનસૂન ટર્ફ સતત સક્રિય છે અને તે તેની સામાન્ય સ્થિતિથી દક્ષિણ તરફ આગળ વધી રહી છે
નવી દિલ્હી
સોમવારે પણ દેશના ઘણા રાજ્યોમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગામી ચાર દિવસની આગાહી દર્શાવે છે કે ગુજરાતમાં વરસાદથી રાહત મળી શકે છે, પરંતુ 12 રાજ્યો માટે ચોમાસું મુશ્કેલીમાં વધારો જ કરશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મોનસૂન ટર્ફ સતત સક્રિય છે અને તે તેની સામાન્ય સ્થિતિથી દક્ષિણ તરફ આગળ વધી રહી છે.
આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન પશ્ચિમ છેડો ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એક સાઈક્લોનિક સર્ક્યુલેશન પશ્ચિમ મધ્ય અને તેની નજીકના ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર જોવા મળી રહ્યું છે, જે દરિયાની સપાટીથી 5.8 થી 7.6 કિમીની ઉંચાઈ પર છે. જેના કારણે આગામી 24 કલાક દરમિયાન આ જ વિસ્તારમાં લૉ પ્રેશર ઝોન બને તેવી શક્યતા છે.
હવામાન વિભાગે આજે ઉત્તરાખંડ, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત અને કોસ્ટલ કર્ણાટકના અલગ ભાગો સહિત 12 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ ભાગોમાં 115.6 મિ.મી. થી 204.4 મિ.મી. સુધીના વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે હિમાચલ પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલય, મરાઠવાડા, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ અને યાનમ, તેલંગાણા, આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડ્ડુચેરી અને કરાઇકલના અલગ અલગ ભાગોમાં મૂશળધાર વરસાદની આશંકા વ્યક્ત કરાઈ છે.