કારગિલ વિજય દિવસ ભારતના એ અદભૂત બહાદુરોની શૌર્ય ગાથાને સામે લાવે છે, જે હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણા બની રહેશેઃ મોદી

નવી દિલ્હી
આજે 26મી જુલાઈના રોજ સમગ્ર દેશ કારગીલ વિજય દિવસની ઉજવણી કરી રહ્યો છે. 24 વર્ષ પહેલા વર્ષ 1999માં આજના દિવસે ભારતીય સેનાએ કારગીલ શિખરો પર ઘૂસી ગયેલા દુશ્મનોને હરાવીને વિજયનું એલાન કર્યું હતું. આ અવસર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સેનાના શુરવીરોને યાદ કર્યા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, કારગિલ વિજય દિવસ ભારતના એ અદભૂત બહાદુરોની શૌર્ય ગાથાને સામે લાવે છે, જે હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણા બની રહેશે. આ ખાસ દિવસે, હું મારા હૃદયના ઊંડાણથી તેમને નમન કરું છું અને વંદન કરું છું. જય હિન્દ!
કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ કારગિલ વિજય દિવસ નિમિત્તે લદ્દાખના દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારક પહોંચ્યા હતા. તેમણે કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. એક સંબોધનમાં રાજનાથ સિંહે કહ્યું કે, 1999માં દેશના સૈનિકોએ ભારતની રક્ષા માટે જે વીરતા અને શૌર્ય બતાવ્યું હતું તે સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે.
તેમણે કહ્યું, આજે આપણે ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકીએ છીએ કારણ કે આપણા સૈનિકોએ 0 ડિગ્રીથી ઓછા તાપમાનમાં ઓક્સિજનની અછત હોવા છતાં તેમની બંદૂકો નીચે કરી ન હતી. આજે કારગીલમાં ભારતનો ધ્વજ ફરકાવવામાં આવી રહ્યો છે કારણ કે 1999માં ભારતના સૈનિકોએ પોતાની બહાદુરીનો પરિચય આપતાં દુશ્મનોની છાતી પર તિરંગો ફરકાવ્યો હતો.
ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે, કારગિલ વિજય દિવસ કરોડો દેશવાસીઓના સમ્માનનો વિજય દિવસ છે. આ દિવસ એ તમામ પરાક્રમી યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે જેમણે આકાશથી ઊંચા જુસ્સા અને પર્વત જેવા લોખંડી સંકલ્પ સાથે પોતાની માતૃભૂમિના કણ-કણનું રક્ષણ કર્યું હતું.
ગૃહ પ્રધાને વધુમાં લખ્યું કે, ભારત માતાના બહાદુર સૈનિકોએ પોતાના ત્યાગ અને બલિદાનથી આ ન માત્ર આ વસુંધરાના આન, બાન અને શાનને જ સર્વોચ રાખ્યા, પરંતુ આપણી વિજયી પરંપરાઓને પણ જીવંત રાખી છે. કૃતજ્ઞ રાષ્ટ્ર વતી હું કારગીલની દુર્ગમ પહાડીઓ પર ફરી ગર્વથી ત્રિરંગો લહેરાવીને દેશની અખંડિતતાને અકબંધ રાખવાના તમારા સમર્પણને સલામ કરું છું
