ફિલાડેલ્ફિયા
અમેરિકાના ફિલાડેલ્ફિયામાં કામ પરથી પાછા ફરી રહેલા 21 વર્ષના ભારતીય મૂળના વિદ્યાર્થીની હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી નાંખી છે. યુએઈના એક અખબારમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલ અનુસાર જુડ ચાકો નામનો વિદ્યાર્થી મૂળ કેરાલાનો છે. તેના માતા પિતા 30 વર્ષ પહેલા કેરાલા છોડીને અમેરિકામાં સ્થાયી થયા હતા.
ચાકો ભણવાની સાથે સાથે પાર્ટ ટાઈમ નોકરી પણ કરતો હતો. નોકરી કરીને તે પાછો આવી રહ્યો હતો ત્યારે બે વ્યક્તિઓએ તેને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાનમાં એક વ્યક્તિએ ફાયરિંગ કર્યુ હતુ અને તેમાં તેનુ મોત થયુ હતુ.
આ પહેલા 21 એપ્રિલે પણ આંધપ્રદેશના રહેવાસી અને અમેરિકામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાઈશ વીરાની પેટ્રોલ પંપ પર હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. આમ બે મહિનામાં બે ભારતીય મૂળના વિદ્યાર્થીઓના અમેરિકામાં મોત થયા છે.