મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુ જીએસટી રજિસ્ટ્રેશનના દુરુપયોગના કેસમાં ટોચના ત્રણ રાજ્યોમાં સામેલ

નવી દિલ્હી
ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ (જીએસટી) લાગુ થયાના 6 વર્ષમાં સરકારે અત્યાર સુધીમાં 5,070 જેટલાં છેતરપિંડીના કેસ પકડી પાડ્યા હતા જેમાં ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી) ક્લેમ કરવા માટે લોકોએ પાનકાર્ડ (પાન) અને આધારકાર્ડ (આધાર)ની વિગતોનો દુરુપયોગ કર્યો હોવાનો ખુલાસો થયો છે. આ 5,000 કેસમાં 27,426 કરોડ રૂપિયાની જીએસટી ચોરીનો ભાંડાફોડ થયો છે.
જોકે મહત્ત્વનું તો એ છે કે છેલ્લા 6 વર્ષોમાં રિકવરીનો આંકડો તો માત્ર 922 કરોડ રુપિયાનો જ છે. આ આંકડા 1 જુલાઈ 2017 (જીએસટી વ્યવસ્થાની શરૂઆત) અને 30 જૂન, 2023 વચ્ચેના છે. રાજ્યની તુલના કરીએ તો મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુ જીએસટી રજિસ્ટ્રેશન (જીએસટી રજિસ્ટ્રેશન)ના દુરુપયોગના કેસમાં ટોચના ત્રણ રાજ્યોમાં સામેલ છે. અહીં ક્રમશ: જીએસટી ચોરીના 765, 713 અને 632 કેસ સામે આવ્યા છે.
મહારાષ્ટ્રમાં 3,889 કરોડ રૂપિયાની જીએસટી ચોરી પકડાઈ હતી. જોકે તેમાંથી ફક્ત 171 કરોડ રૂપિયાની વસૂલી થઇ શકી છે. દિલ્હીમાં 4,326 કરોડ રૂપિયાની જીએસટી ચોરી પકડાઈ હતી. જોકે વસૂલી ફક્ત 159 કરોડ રૂપિયાની થઈ શકી હતી. તમિલનાડુમાં 1,877 કરોડ રૂપિયાની જીએસટી ચોરી પકડાઈ હતી અને વસૂલી ફક્ત 44 કરોડ રૂપિયા થઇ શકી હતી.
રસપ્રદ વાત તો એ છે કે 16 મે 2023 થી 9 જુલાઈ 2023 વચ્ચે સરકારે આશ્ચર્યજનક રીતે 9,369 ફેક કંપનીઓ/સંસ્થાનો પકડી પાડી હતી. સાથે જ 10,902 કરોડ રૂપિયાની જીએસટી ચોરીનો પણ ખુલાસો કર્યો હતો. જોકે આ ફેક સંસ્થાનો પાસેથી ફક્ત 45 કરોડ રૂપિયાની જ વસૂલી થઇ શકી હતી.