જાપાનમાં પીએમના નિવાસસ્થાને મિત્રો સાથે પાર્ટી કરનારા પુત્રને સચિવપદેથી હટાવાયો

Spread the love

ટોકિયો
જાપાનમાં રાજકીય નેતાઓની નૈતિકતાનુ સ્તર ઉંચું છે. અહીંયા નેતાઓનુ વીઆઈપી કલ્ચર પ્રજા ચલાવી લેતી નથી અને નેતાઓ પોતે પણ આ બાબતે સભાન રહેતા હોય છે.
જાપાનના પીએમ ફુમિયો કિશિદાના મોટા પુત્ર શોટારોએ પોતાના મિત્રો સાથે પીએમના સત્તાવાર નિવાસ સ્થાનમાં પાર્ટી કરી હતી અને તેની તસવીરો ખેંચાવી હતી. જેનાથી દેશભરમાં ભારે રોષ ફેલાયો હતો. એ પછી વડાપ્રધાન પિતાએ પોતાના જ પુત્ર સામે કાર્યવાહી કરીને તેમને સચિવ પદેથી રવાના કરી દીધા છે.
આ પાર્ટીની જે તસવીરો સામે આવી છે તેમાં કિશિદાના પુત્ર પોતાના મિત્રો સાથે પીએમના નિવાસ સ્થાનના પગથિયા પરની રેડ કાર્પેટ પર ઉભા રહીને પોઝ આપતા નજરે પડે છે.
પાર્ટીમાં સામેલ કેટલાક લોકો પીએમના ઘરમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધવા માટે બનાવાયેલા પોડિયમ પર ઉભા રહીને તસવીરો ખેંચાવતા પણ નજરે પડયા છે.
એ પછી સોમવારની રાતે વડાપ્રધાન કિશિદાએ કહ્યુ હતુ કે, પીએમના રાજકીય મામલાના સચિવ તરીકે અમુક લોકોની જનતા પ્રત્યે જવાબદારી હતી અને તેમણે જે કામ કર્યુ છે તે સ્હેજ પણ યોગ્ય નથી અને એટલે મેં તેમની સચિવ તરીકેની જવાબદારી પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે. મારા પુત્રની જગ્યાએ તાકાયોશી યામામોટોની સચિવ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
તેમણે કહ્યુ હતુ કે, મેં પાર્ટી કરવા માટે મારા પુત્રને આકરા શબ્દોમાં ઠપકો આપ્યો છે.
જોકે વિપક્ષી સાંસદો અને જનતાના આક્રોશને જોતા વડાપ્રધાનને પુત્રનુ રાજીનામુ લેવુ પડ્યુ હતુ . જાપાનના મુખ્ય કેબિનેટ સચિવે પણ કહ્યુ હતુ કે, ભવિષ્યમાં આ પ્રકારની હરકત ના થાય તે માટે આકરા પગલા લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, પીએમનુ નિવાસસ્થાન 100 વર્ષ જુનુ છે. પહેલા તે પીએમ ઓફિસ તરીકે ઉપયોગમાં લેવાતુ હતુ અને 2005માં નવી પીએમ ઓફિસ બની એ પછી તેને નિવાસ સ્થાનમાં ફેરવી નાંખવામાં આવ્યુ છે.

Total Visiters :206 Total: 1497975

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *