પાકિસ્તાન ક્રિકેટ ટીમનો દુબઈ જઈને ખેલાડીઓ સાથે કેમ્પ લગાવવાનો પ્લાન રદ્દ કરવામાં આવ્યો
નવી દિલ્હી
ભારતની યજમાનીમાં વનડે વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી યોજાશે. આ ટુર્નામેન્ટમાં પ્રેક્ટિસ મેચ 29 સપ્ટેમ્બરથી શરુ થઇ રહી છે. ભારત પાસે વર્ષ 2011 બાદ ફરી એકવાર વનડે વર્લ્ડ કપ જીતવાની તક છે. વર્લ્ડ કપમાં ભાગ લેનાર તમામ ટીમોના વિઝાને મંજૂરી મળી ચુકી છે. જયારે પાકિસ્તાનની ટીમને હજુ સુધી ભારત સરકાર તરફથી વિઝાની મંજૂરી મળી નથી. જેથી પાકિસ્તાન ક્રિકેટ ટીમનો દુબઈ જઈને ખેલાડીઓ સાથે કેમ્પ લગાવવાનો પ્લાન રદ્દ કરવામાં આવ્યો છે. વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાન માટે આ મોટો ઝટકો છે.
મળેલી માહિતી મુજબ પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટનો પ્લાન હતો કે તેમના તમામ ખેલાડીઓ પ્રી-વર્લ્ડ કપ કેમ્પ માટે દુબઈ જશે. જ્યાંથી તેઓ બધા હૈદરાબાદ જવા માટે ફ્લાઇટમાં સવાર થશે. પરંતુ હવે આ પ્લાન બરબાદ થઇ ગયો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક અઠવાડિયા પહેલા જ વિઝા માટે અરજી કરી હતી પરંતુ હજુ સુધી તેને મંજૂરી આપવામાં આવી નથી.
પાકિસ્તાન ટીમ વિઝાની મંજૂરીના અભાવે લાહોરમાં રોકાશે અને 27 સેપ્ટેમ્બરે દુબઈ જશે જ્યાંથી તે 29 સેપ્ટેમ્બરે ન્યુઝીલેન્ડ સામે રમાનાર પ્રેક્ટિસ મેચ માટે હૈદરાબાદ આવશે. પાકિસ્તાની મેનેજમેન્ટનું માનવું છે કે ટીમને સમય મર્યાદામાં વિઝા મળી જશે. ભારતમાં યોજાનાર વર્લ્ડ કપ 2023માં કુલ 10 ટીમો ભાગ લઇ રહી છે, જેમાં 9 વિદેશી ટીમોમાં માત્ર પાકિસ્તાન ટીમને જ હજુ સુધી વિઝા મળ્યા નથી. હવે પાકિસ્તાન ટીમના વિઝામાં વિલંબથી તેમની તૈયારી પર પણ અસર પડી શકે છે. ગત 10 વર્ષમાં પાકિસ્તાની ટીમ માત્ર ટી20 વર્લ્ડ કપ 2016 રમવા માટે ભારત આવી હતી.