
લખનૌ
શું તમે ક્યારેય સાંભળ્યુ છે કે કૂતરાને ભગાડવાના કારણે મારામારી થઈ શકે છે. બસ્તી જિલ્લાના કલવારી વિસ્તારના કલવારી બજારમાંથી આ પ્રકારનો અજીબો-ગરીબ કિસ્સો સામે આવ્યો છે. યુવકે કૂતરાને ધમકાવ્યો તો તેને લાઠી, ડંડાથી માર મારવામાં આવ્યો. યુવક મહામુસીબતે ભાગી ગયો અને પોતાનો જીવ બચાવ્યો. પોલીસ સ્ટેશને પહોંચીને તેણે સમગ્ર બાબત જણાવી. બાદમાં પોલીસ એક્શનમાં આવી ગઈ. કૂતરાને ધમકાવવા બદલ મારપીટ કરતા 3 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો.
બનાવની વિગત મુજબ કલવારી બજારના રહેવાસી બેચનની ભિંડીના ખેતરમાં 7થી 8 કૂતરા બેઠા હતા. જે બેચનના બાળકો પર ભસી રહ્યા હતા. કૂતરાઓને ભસતા જોઈને બેચન તેમને ભગાડવા લાગ્યો. જોકે આ જોઈને દેશી કૂતરાઓ પાળતા પાડોશી બબલૂ રોષે ભરાયો. તેણે બેચનને કહ્યુ કે તે કૂતરાઓને ધમકાવવાની હિંમત કેવી રીતે કરી. આ જ અંગે વિવાદ વધી ગયો દરમિયાન બબલૂ, તેની પત્ની અને પુત્રી અંજલિ લાઠી-ડંડા લઈને તૂટી પડ્યા. જોત-જોતામાં બેચનને ઢોર માર મારવા લાગ્યા. માંડ માંડ બેચન ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો.
પીડિત બેચને આ મામલે કલવારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.