નવી દિલ્હી
રાજસ્થાનમાં આ વર્ષે યોજાનારી રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023 પહેલા કોંગ્રેસ હાઈકમાન્ડે મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ચાલી રહેલી રાજકીય ખેંચતાણનો અંત લાવવા કવાયત તેજ કરી છે. જેને લઇને રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દિલ્હીમાં રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ સચિન પાયલટ પણ ખડગેને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા.
ગઈકાલે અશોક ગેહલોત અને સચિન પાયલટની હાઈકમાન્ડ સાથે ચાર કલાક ચાલેલી બેઠકના અંત પછી પાર્ટીના નેતા કેસી વેણુગોપાલે પત્રકારોને જણાવ્યું હતું કે, બેઠક દરમિયાન બંને નેતાઓએ સર્વસંમતિથી કહ્યું હતું કે, અમે આગામી ચૂંટણીઓ સાથે મળીને કામ કરીશું. આગળ જે પણ નિર્ણય લેવાનો છે તે હાઈકમાન્ડ નક્કી કરશે. કોંગ્રેસે અશોક ગેહલોત અને સચિન પાયલટ સાથેની મુલાકાતને લઈને એક ટ્વીટ પણ કર્યું હતું. આ ટ્વીટમાં કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલને ટાંકીને કહેવામાં આવ્યું છે કે અશોક ગેહલોત અને સચિન પાયલટ એકસાથે ચૂંટણી લડશે. અમે રાજસ્થાન જીતવાના છીએ.
પહેલા ગેહલોત ખડગે અને રાહુલ ગાંધીને મળ્યા અને લગભગ બે કલાક પછી પાયલોટે રાજાજી માર્ગ પર ખડગેના ઘરે પહોંચ્યા. આ બેઠકો દરમિયાન રાજસ્થાનના કોંગ્રેસના પ્રભારી સુખજિંદર સિંહ રંધાવા પણ હાજર હતા. આ બેઠકોને રાજસ્થાનમાં ગેહલોત અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ વચ્ચેના વિવાદને ઉકેલવાના કોંગ્રેસ નેતૃત્વનો પ્રયાસ સફળ રહ્યો છે. રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી છે.