વડોદરા
આઇઓસીએલ પાંચમી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો અહીંના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, વડોદરા ખાતે પ્રારંભ થશે ત્યારે સૌની નજર ટેબલ પર જ રહેશે અને આ ટુર્નામેન્ટ બ્લોકબસ્ટર બની રહે તેની ખાતરી છે.
મેન્સ અને વિમેન્સ વિભાગમાં જે રીતે સ્પર્ધા થનારી છે અને જેટલી સંખ્યામાં ઇવેન્ટ માટે એન્ટ્રી મળી છે તે જોતાં કોઈ બોક્સ ઓફિસ હિટ મૂવી હોય તેવો આદર્શ તખ્તો રચાઈ ગયો છે.
2019 બાદ પહેલી વાર કોઈ સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં વિવિધ કેટેગરી માટે ટાઇટલ જીતવા 640 એન્ટ્રી મળી છે.
અગાઉ સ્ટેટ રેન્કિંગની રાજકોટની આવૃત્તિમાં 632 ખેલાડીએ ભાગ લીધો હતો.
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ બરોડા (ટીટીએબી)ના ઉપક્રમે ત્રીજીથી છઠ્ઠી ઓગસ્ટ દરમિયાન આ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે જેના સ્પોન્સર્સ IOCL, GAIL અને UTT છે.
અગાઉની ચાર ટુર્નામેન્ટમાં મેન્સ કેટેગરીમાં ચાર અલગ અલગ વિજેતા બહાર આવ્યા હતા અને પાંચમી આવૃત્તિમાં આવા જ કોઈ રોમાંચક મુકાબલાની ક્ષમતા છે.
અમદાવાદ સ્થિત પેડલર ચિત્રાક્ષ ભટ્ટે રાજકોટમાં ટાઇટલ જીત્યું હતું તો સુરતના બુરહાનુદ્દીન માલુભાઈવાલાએ ભરૂચમાં ટાઇટલ જીત્યું હતું. ત્રીજી અને ચોથી સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટે બે અમદાવાદીઓને ચેમ્પિયન બનતા જોયા હતા. જેમાં ગાંધીધામ ખાતે ધૈર્ય પરમાર અને ભાવનગર ખાતે અક્ષિત સાવલા વિજેતા રહ્યા હતા. અત્યાર સુધી શાંત રહેલા સોહમ ભટ્ટાચાર્ય પાસે બરોડામાં તેના હરીફને મહાત કરવાની ક્ષમતા છે અને તે આ માટે આતુર હશે.
વિમેન્સ વિભાગમાં પણ પ્રેક્ષકોને તેમની બેઠક પરથી ઉભા રહેતા રાખવાની ક્ષમતા છે. તાજેતરમાં જ યોજાયેલી યુટીટી સ્પર્ધામાં શાનદાર સફળતા હાંસલ કરનારી ક્રિત્વિકા સિંહા રોય આ વખતે મોખરાના ક્રમની કૌશા ભૈરાપૂરેની યોજના પર પાણી ફેરવી દેવાના ઇરાદાથી રમશે.
ગોવાની ટીમમાં રમી ચૂકેલી ક્રિત્વિકા બે વર્ષના ગાળામાં પહેલી વાર સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટમાં રમી રહી છે. આ ઉપરાંત આકર્ષણનું કેન્દ્ર બની રહે તેવી અન્ય એક સુરતી ખેલાડી ફ્રેનાઝ છિપીયા છે. છેલ્લા ઘણા વર્ષથી ફ્રેનાઝનું સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટમાં શાસન ચાલ્યું આવે છે. જોકે તેની ઇજા અને વર્તમાન ફોર્મ ચિંતાનો વિષય છે.
ઇજાને કારણે ફ્રેનાઝ ભાવનગરમાં રમી શકી ન હતી અને હવે તે અહીં તેની હાજરી પુરવાર કરવાના ઇરાદા સાથે ભાગ લેશે. રાજકોટનો જયનિલ મહેતા, ભાવનગરની નામના જયસ્વાલ અને ગાંધીનગરની રાધાપ્રિયા ગોએલની આ વખતે ગેરહાજરી સાલશે. આ ત્રણેય ખેલાડી ચીનમાં યોજાયેલી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
“આ ઇવેન્ટમાં વિક્રમજનક સંખ્યામાં પ્રવેશ આવ્યા હોવાથી અમે ઘણા ખુશ છીએ. કોવીડ બાદ અંદાજે 640 એન્ટ્રી આવવી તે પ્રોત્સાહજનક બાબત છે અને તે બાબત ટેબલ ટેનિસની લોકપ્રિયતા પુરવાર કરે છે. આ ઉપરાંત ક્રિત્વિકાના યજમાન બનવા બદલ અમે ખુશીની લાગણી અનુભવી રહ્યા છીએ. તે યુટીટીની સફળતા બાદ ઉંચો આત્મવિશ્વાસ ધરાવે છે અને તેના શ્રેષ્ઠ ફોર્મમાં છે.” તેમ ટીટીએબીના પ્રમુખ જયાબહેન ઠક્કરે જણાવ્યું હતું.
ભાગ લેનારા ખેલાડીઓ વિશે વાત કરતાં ટીટીએબીના સેક્રેટરી કલ્પેશ ઠક્કરે જણાવ્યું હતું કે “ટીટીએબી ખેલાડીઓને હંમેશાં સારી સવલતો પૂરી પાડે છે અને આ વખતે તેમાં કોઈ ફરક નહીં પડે. સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ સજ્જ છે અને સ્ટેટ ખેલાડીઓને આવકારવા આતુર છે. ખેલાડીઓ રમતની ખેલદિલી મુજબ રમે તે માટે અમે ખેલાડીઓને શુભેચ્છા પાઠવીએ છીએ.”