ધારાસભ્યો અને સાંસદો ચૂંટણી ટાણે જ મત માંગવા માટે જ ગામમાં આવે છે
ગોમો
ધનબાદમાં ગેંગવોરના કિસ્સાઓ પ્રખ્યાત છે. ફાયરિંગ, ખંડણી, હત્યા જેવા ગુનાઓ અહીં સામાન્ય છે પરંતુ આ ધનબાદના ગોમોમાં એક એવું પણ ગામ છે જે સ્વર્ગથી ઓછું નથી. ધનબાદમાં કોરકોટા પંચાયતના પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે વસેલા આદિવાસી બહુમતીવાળા જામુનતાંડ ગામે એક મિસાલ કાયમ કરી છે. આજદિન સુધીમાં આ ગામનો એક પણ કેસ પોલીસ મથકે નથી પહોંચ્યો.
અહીંના લોકો એકબીજાને એક પરિવારની જેમ પ્રેમ કરે છે. અહીં કોઈના મનમાં કોઈના પ્રત્યે દુશ્મનાવટ નથી. ગામના તમામ લોકો સુખ-દુઃખમાં એકબીજાની સાથે ઉભા રહે છે. જ્યાં એક તરફ સમગ્ર જિલ્લામાં ગુનાહિત પ્રવૃતિઓ સાથે ઘરેલું હિંસાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ આ ગામ એવું છે કે જ્યાં આજદિન સુધી કોઈ ગુનો કે કોઈ ઘરેલું ઝઘડો નથી થયો. આ જ કારણછે કે, આ ગામના લોકો ખુશ છે. ગામના 10 લોકો સરકારી નોકરી કરે છે જ્યારે બાકીના લોકો ખેતી અને મજૂરી કરીને જીવન ગુજારે છે.
ગ્રામીણોએ જણાવ્યું કે ગામમાં ઉચ્ચ શિક્ષણ અને રમતના મેદાનની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે અહીંના બાળકોને ત્રણ કિલોમીટર દૂર ગોમો જવું પડે છે.
આદિવાસી સમાજ માટે નશાનું વ્યસન અભિશાપ બની ગયું છે. સમાજને નશા મુક્ત બનાવવા ગામડાની નવી પેઢીએ લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન હાથ ધર્યો છે યુવાનોનું કહેવું છે કે, ટૂંક સમયમાં તેની અસર ગામમાં જોવા મળશે.
ગામના લોકોએ જણાવ્યું કે, ગામમાં અનેક સમસ્યાઓ છે પરંતુ સમસ્યા કોને કહેવી. તેથી અમે અમારી સમસ્યાઓ જાતે જ ઉકેલીએ છીએ. ધારાસભ્યો અને સાંસદો ચૂંટણી ટાણે જ મત માંગવા માટે આવે છે. ધારાસભ્યો તો ક્યારેક-ક્યારેક આવે પણ છે પરંતુ સાંસદોને આજ સુધી અમે નથી જોયા.