વિદ્યાર્થીનીઓ દ્વારા તેને લઈને ચિંતા વ્યક્ત કરતા હવે આ આદેશને પલટવામાં આવી શકે છે
મુંબઈ
મુંબઈના ચેમ્બૂરમાં એનજી આચાર્ય અને ડીકે મરાઠા કોલેજની મુસ્લિમ વિદ્યાર્થીનીઓને કોલેજની અંદર હિજાબ પહેરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જ્યારે વિદ્યાર્થીનીઓ દ્વારા તેને લઈને ચિંતા વ્યક્ત કરતા હવે આ આદેશને પલટવામાં આવી શકે છે. કોલેજના એક આદેશમાં જણાવ્યું હતું કે, જુનિયર કોલેજના વિદ્યાર્થીઓ માટે ડ્રેસ અનિવાર્ય છે. મે માં વિદ્યાર્થી-વિધાર્થીનીઓના વાલીઓને આ અંગે સૂચના આપવામાં આવી હતી. તેમને ડ્રેસ સિવડાવવા માટે પૂરતો સમય મળી ગયો છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે યુનિફોર્મ પહેર્યા વિના પહોંચેલા ડઝનેક વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા. તેણે એમ પણ કહ્યું કે તેને હિજાબ કે બુરખા સાથે કોઈ લેવાદેવા નથી. આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નથી થઈ. પ્રાપ્ત માહિતી પ્રમાણે કેટલીક વિદ્યાર્થીનીઓના પરિવારજનોએ એનજી આચાર્ય કોલેજ અને મરાઠા કોલેજના ગેટ સામે પ્રદર્શન કર્યું હતું.
મંગળવારે ચેમ્બુરની આચાર્ય અને મરાઠા કોલેજમાં ધોરણ 12માં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે તેમને કોલેજમાં પ્રવેશવાની અને શૌચાલયમાં જવાની પણ મંજૂરી ન મળી. છેલ્લા બે દિવસથી ડ્રેસને લઈને વારંવાર જાહેરાતો કરવામાં આવી રહી હતી.
12માં ધોરણની વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે, અમે અમારા હિજાબ અથવા દુપટ્ટા વગર કોલેજ કેવી રીતે આવી શકીએ? અમે જાહેરમાં પોતાનું માથુ ન દેખાડી શકીએ. આ અમારા ધર્મની વિરુદ્ધ છે.
આ સાથે જ કોલેજના પ્રિન્સિપાલે યુનિફોર્મ ફરજિયાત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. આચાર્ય અને મરાઠા કોલેજના પ્રિન્સિપાલ વિદ્યાગૌરી લેલેએ જણાવ્યું હતું કે, તમામ વાલીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી અને તેમને આ અંગે જાણકારી આપવામાં આવી હતી. જુનિયર કોલેજ હજુ પણ માધ્યમિક શિક્ષણ હેઠળ આવે છે. આ કોલેજ નથી. અમે ઈચ્છીએ છીએ કે વિદ્યાર્થીઓ જે કપડા પહેરે તેના કારણે તેઓ ન શ્રેષ્ઠતા અનુભવે કે ન તો શરમ. તેથી આ સૂચનનો અમલ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને ડ્રેસના બે સેટ બનાવવા માટે ઘણા મહિના આપવામાં આવ્યા હતા. આમાં કોઈ ભેદભાવ નથી.