2020માં મુસાફરો દ્વારા નોંધાયેલી કુલ ફરિયાદોની સંખ્યા 4,786 હતી, 2021 માં 5,321, 2022 માં 5,525 અને આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 2,384 છે

નવી દિલ્હી
તાજેતરમાં ફ્લાઈટ્સમાં યાત્રીઓ સાથે ખરાબ વર્તનને લઈને અનેક પ્રકારની ઘટનાઓ બની રહી છે. ક્યાંક યાત્રી પોતાના સહયાત્રીઓ પર પેશાબ કરી દે છે તો ક્યાંક ફ્લાઈટ ક્રૂ અથવા ફ્લાઈટ સહયોગી સ્ટાફ સાથે ઉદ્ધત વર્તનની ઘટનાઓ સાંભળવા મળી રહી છે. આવી વર્તણૂકને કારણે કેટલાક મુસાફરોની ઉડાન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે. અને આ કામ તેમને ‘નો ફ્લાય લિસ્ટ’માં મૂક્યા બાદ કરવામાં આવે છે જેની શરૂઆત ડીજીસીએએ વર્ષ 2021માં કરી હતી.
ડીજીસીએની 2021માં ‘નો ફ્લાય લિસ્ટ’ની શરૂઆત બાદ અત્યાર સુધીમાં 166 યાત્રીઓને આ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે. સરકારે સોમવારે સંસદમાં આ જાણકારી આપી હતી.
નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી જનરલ વીકે સિંહે રાજ્યસભામાં લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, 2020માં મુસાફરો દ્વારા નોંધાયેલી કુલ ફરિયાદોની સંખ્યા 4,786 હતી. 2021 માં 5,321, 2022 માં 5,525 અને આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 2,384 છે. તેમણે એમ પણ કહ્યું કે 2014માં દેશમાં શેડ્યૂલ ઓપરેટર્સના કાફલામાં કુલ 395 વિમાન હતા જેની સંખ્યા 2023માં વધીને 729 થઈ ગઈ છે.
આ વર્ષમાં અત્યાર સુધીમાં, 2,300 થી વધુ ફરિયાદો આવી ચૂકી છે અને વર્ષ 2021 થી નો ફ્લાય લિસ્ટ જાહેર થયા બાદ તમામ ફરિયાદો પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને ડીજીસીએ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે.