ગુરૂગ્રામના પાંચ હજાર મુસ્લિમ વેપારીઓ ધંધો બંધ કરીને શહેર છોડી ગયા

Spread the love

હિંસક હુમલાઓથી ડરથી મોટાભાગના મુસ્લિમ વેપારીઓઓને દિલ્હી અને નોઈડા જ્યાં તેમના સંબંધીઓ રહે છે, તેમજ પડોશી રાજ્યોમાં તેમના ગામોમાં ભાગી જવાની ફરજ પડી


નૂહ
હરિયાણાના નૂહ, સોહના અને ગુરુગ્રામમાં ગત જૂલાઈની 31મી તારીખે હિંસા ફાટી નીકળી હતી જેની અસર હવે વેપાર પર પણ દેખાવા લાગી છે. આ હિંસાની અસર અનેક પરિવારો પર પડી છે ત્યારે હવે ગુરુગ્રામ શહેરમાં હોકર્સ એસોસિએશનનો અંદાજ છે કે મુસ્લિમ સમુદાયના ઓછામાં ઓછા 5 હજાર શેરી વિક્રેતાઓ કે જેઓ મુખ્ય બજારોમાં અને શેરીઓમાં ફળો, શાકભાજી, ફાસ્ટ ફૂડ અને અન્ય વસ્તુઓ વેચતા હતા તેઓએ ગુરુગ્રામ છોડી દીધું છે અથવા તેમના ધંધા બંધ કરી દીધા છે.
સોહના, બાદશાહપુર અને સેક્ટર 70એમાં થયેલી હિંસાની વાત જણાવતા હોકર્સ એસોસિએશને કહ્યું કે મુસ્લિમ સમુદાયના મોટા ભાગના વેપારીઓ ઉત્તર પ્રદેશના મેરઠ, અલીગઢ, બિજનૌર, મુરાદાબાદ, મૈનપુરી, મુઝફ્ફરનગર, ઇટાવા અને નૂહ જિલ્લા જેવા સ્થળોના છે અને તેમાથી મોટાભાગના કથિત ધમકીઓ અને છૂટાછવાયા કૃત્યોને કારણે તેઓ તેમના વતન પરત ફર્યા છે. ભય વચ્ચે તેમના વ્યવસાય ચાલુ રાખવાવાળા કેટલાક વેપારીઓએ કહ્યું હતું કે ધમકિ અને હિંસક હુમલાઓથી ડરથી મોટાભાગના મુસ્લિમ વેપારીઓઓ દિલ્હી અને નોઈડા જ્યાં તેમના સંબંધીઓ રહે છે, તેમજ પડોશી રાજ્યોમાં તેમના ગામોમાં ભાગી જવાની ફરજ પાડી છે.
ગુરુગ્રામની દ્રોણ રેહરી પટરી ફેરી કમિટીના જનરલ સેક્રેટરી રાજેન્દ્ર સરોહાએ જણાવ્યું હતું કે જમીનની સ્થિતિ ચિંતાજનક છે અને ગયા અઠવાડિયાની સાંપ્રદાયિક હિંસા બાદ મુસ્લિમ વેપારીઓ ડરી ગયા છે. સરોહાએ વધુમાં કહ્યું હતું કે ગુરુગ્રામમાં લગભગ 40 હજાર વેપારીઓ છે અને તેમાંથી લગભગ 40 ટકા મુસ્લિમ સમુદાયના છે. હુમલાના ડરથી તેમાંથી ઘણાએ શહેર છોડી દીધું છે અથવા બજારોમાં કામ કરવાનું બંધ કરી દીધું છે. અમે તેમને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ તેઓ હજુ પણ ડરી રહ્યા છે. ઘણા લોકોને ધમકી આપવામાં આવી હતી અને તરત જ શહેર છોડી દેવા માટે કહેવામાં આવ્યું હતું.
હોકર્સ એસોસિએશન દ્વારા એકત્ર કરાયેલા ડેટા મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માન્યતા પ્રાપ્ત 16 હજાર જેટલા નોંધાયેલા વેપારીઓ છે પરંતુ આ વેપારીઓની ખરી સંખ્યા 40 હજાર આસપાસ છે. તેઓ શહેરના લગભગ તમામ ભાગોમાં સ્થિત છે. સદર બજાર, પાલમ વિહાર, એમજી રોડ, સોહના રોડ, બાદશાહપુર, સેક્ટર 14, 23, 46, 49, 64, 65, 70A, 72 અને 74, ગામો જેવા કે ફાઝિલપુર, દરબારીપુર, જૂના ગુરુગ્રામના મોટાભાગના વિસ્તારોમાં કામ કરી કરે છે. ઘણા વેપારીઓ સેક્ટર 44માં મેદાંતા હોસ્પિટલ અને ફોર્ટિસ હોસ્પિટલ જેવી મોટી તબીબી સંસ્થાઓની આસપાસ પણ કામ કરે છે.
એમજી રોડના વેપારી બલરામ કુમારે જણાવ્યું હતું કે સામાન્ય રીતે આ રોડ પર 100થી વધુ વેપારીઓ છે જે ફાસ્ટ ફૂડ અને અન્ય વિવિધ વસ્તુઓનું વેચાણ કરે છે અને તેમાંથી લગભગ અડધા મુસ્લિમ સમુદાયના છે. ગઈકાલે ત્યાં ફક્ત 30થી 40 વેપારીઓ હતા કારણ કે મોટાભાગના મુસ્લિમો ભયના કારણે તેમના ગામોમાં પાછા ફર્યા છે જ્યારે પાલમ વિહારમાં એમજી રોડ, મેજર સુશીલ આઈમા માર્ગ અને સદર બજાર જેવા મુખ્ય માર્ગો અને શેરી વેપારીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
સદર બજારના કમિશન એજન્ટ મુકેશ પ્રધાને જણાવ્યું હતું કે ફળોના વેપારમાં લગભગ 50 ટકા ઘટાડો થયો છે કારણ કે મોટાભાગના ફળ વેપારીઓ મુસ્લિમ છે. અમે નૂહમાંથી ત્રણ લોકોને રાખ્યા હતા પરંતુ વિસ્તારમાં તણાવને કારણે અમને તેમને ઘરે મોકલવાની ફરજ પડી હતી. ફ્રુટ લોડ કરનારાઓ પણ મુખ્યત્વે મુસ્લિમ સમુદાયના છે અને તેમાંથી મોટાભાગના યુપીમાં તેમના વતન પરત ફર્યા છે. આ સિવાય અનીસ નામના અન્ય ફળ વિક્રેતાએ કહ્યું કે તે છેલ્લા 10 વર્ષથી ગુરુગ્રામમાં પોતાનો વ્યવસાય ચલાવી રહ્યો છે, પરંતુ આટલી વિકટ પરિસ્થિતિ તેણે પહેલા ક્યારેય જોઈ ન હતી. તેમણે કહ્યું કે અમે શાંતિથી કામ કરી રહ્યા છીએ અને અમારી આજીવિકા મેળવી રહ્યા છીએ. સલામત રહેવા માટે મેં થોડા દિવસોની રજા લેવાનું નક્કી કર્યું છે. મોટાભાગના નાળિયેરના વેપારીઓ પણ લઘુમતી સમુદાયના હતા અને તેઓ પણ પોતપોતાના ઘરે પરત ફર્યા છે. આ ઉપરાંત બાદશાહપુરમાં 95 ટકા વેપારીઓ લઘુમતી સમુદાયના છે અને તેમાંથી મોટા ભાગના પણ ચાલ્યા ગયા છે. નૂહની ઘટના બાદ મુખ્ય બજારમાં કેટલીક દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને મોટાભાગના વેપારીઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા તેમ સરોહાએ જણાવ્યું હતું.
સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે નૂહમાં હિંસા ઉપરાંત મુસ્લિમો પર હુમલાનું બીજું કારણ યુવાનોમાં એવી લાગણી છે કે તેઓએ સમગ્ર શેરી વેન્ડિંગ વ્યવસાય પર ઈજારો જમાવી લીધો છે અને તેમના માટે કોઈ આર્થિક તક બાકી નથી. જો કે સરોહાએ આરોપને નકારી કાઢ્યો અને કહ્યું કે લક્ષિત હિંસાનું એકમાત્ર કારણ સાંપ્રદાયિક ધ્રુવીકરણ હતું કારણ કે શહેરના મોટાભાગના સ્થાનિક હિન્દુ રહેવાસીઓ સમૃદ્ધ છે અને આજીવિકા કમાવવા માટે સ્ટ્રીટ હોકિંગ સ્થાપિત કરવાની જરૂર નથી. હોકર્સ એસોસિએશનના સભ્યોએ જણાવ્યું હતું કે તેઓએ અધિકારીઓને દરમિયાનગીરી કરવા અને લોકોને શહેર છોડતા અટકાવવા કહ્યું છે.

Total Visiters :131 Total: 1495294

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *