ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે, જેમાં સ્ટોક્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે
લંડન
ક્રિકેટ જગતથી એક ખુબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. આ સમાચાર ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમથી આવ્યા છે. ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે વનડે ફોર્મેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચી લીધી છે. બેન સ્ટોક્સે વર્લ્ડ કપ પહેલા આ મોટો નિર્ણય લીધો છે અને ઈંગ્લેન્ડની ટીમે તેને ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝ રમવા માટે ટીમમાં સામેલ કર્યો છે.
ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે, જેમાં સ્ટોક્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વનડે વર્લ્ડ કપ 2023ને ધ્યાનમાં રાખીને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે સ્ટોક્સને સંન્યાસ ન લેવાની અપીલ કરી હતી અને આ ઓલરાઉન્ડરે તેનો સ્વીકાર કર્યો હતો. સ્ટોક્સે 26 જુલાઈ, 2022ના રોજ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ વર્ષે ભારતમાં વર્લ્ડ કપ યોજાવાનો છે અને સ્ટોક્સનો અનુભવ આ ટીમ માટે ઉપયોગી થશે. સ્ટોક્સે વર્લ્ડ કપમાં રમવા માટે IPLમાં નહીં રમવાનો નિર્ણય લીધો છે. તે IPL 2024માં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી નહીં રમે.
બેન સ્ટોક્સ એક શ્રેષ્ઠ ઓલરાઉન્ડર છે. તેણે 105 વનડેમાં 39ની એવરેજથી 2924 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 સદી અને 21 ફિફ્ટી ફટકારી છે. આ સાથે જ તેના નામે 74 વિકેટ પણ છે. તેણે એક વખત ઇનિંગ્સમાં પાંચ વિકેટ પણ લીધી છે. આ સિવાય સ્ટોક્સની ફિલ્ડિંગ પણ અદભૂત છે. સ્ટોક્સે વર્ષ 2019માં ઈંગ્લેન્ડને વર્લ્ડ કપ જીતાડવામાં મદદ કરી હતી અને હવે ઈંગ્લેન્ડને 2023ના વર્લ્ડ કપમાં પણ તેની પાસેથી આ જ પ્રદર્શનની અપેક્ષા છે.