સ્વીડન સાથે ડેનમાર્કમાં પણ કુરાનના અપમાનની ઘટનાઓ બની ચુકી છે, જેના પર મુસ્લિમ દેશો આકરો વિરોધ વ્યક્ત કરી ચુકયા છે
સ્ટોકહોમ
ઈસ્લામિક દેશોમાં ભારે વિરોધ છતા સ્વીડનમાં કુરાન સળગાવવાની ઘટનાઓ પર સરકાર રોક લગાવી રહી નથી.
લેટેસ્ટ કિસ્સામાં ઈરાકી મૂળની એક વ્યક્તિ સલવાન મોમિકાએ સોમવારે સ્ટોક હોમમાં સંસદની સામે કુરાનની પ્રત સળગાવી હતી. જેમાં અન્ય એક વ્યક્તિ સલવાન નાજેમે તેની મદદ કરી હતી. સલવાન પણ ઈરાકી મૂળનો છે. આ દરમિયાન મોમિકાએ ઈસ્લામ વિરોધી નારા પણ લગાવ્યા હતા. જોકે આ બંનેને ઘણા લોકોના વિરોધનો સામનો પણ કરવો પડ્યો હતો. આ લોકો ભડકાઉ ગતિવિધિ રોકવા માટે કહી રહ્યા હતા. પોલીસે વિરોધ કરી રહેલા લોકો પૈકી એકની ધરપકડ કરી હતી.
આ પહેલા 28 જૂને મોમિકાએ પોલીસ રક્ષણની વચ્ચે સ્ટોકહોમની એક મસ્જિદ સામે કુરાન સળગાવ્યુ હતુ. સ્વીડન સાથે ડેનમાર્કમાં પણ કુરાનના અપમાનની ઘટનાઓ બની ચુકી છે. જેના પર મુસ્લિમ દેશો આકરો વિરોધ વ્યક્ત કરી ચુકયા છે. ઈરાકમાં તો સ્વીડન સામે હિંસક દેખાવો થયા હતા.
બંને દેશની સરકારો જોકે આ ઘટનાઓ રોકવા માટે કોઈ પ્રકારની કાર્યવાહી કરી રહી નથી. બીજી તરફ આ દેશોને હવે આતંકી હુમલાનો ડર લાગી રહ્યો છે.