આ પહેલ આઈટીસી ના મિશન મિલેટ અભિયાનનો ભાગ છે, જેનો ધ્યેય પોષણ સંબંધી ઉણપોના જોખમને ઘટાડવા માટે ચાલી રહેલી વિવિધ સરકારી પહેલોમાં યોગદાન આપવાનો છે
મુંબઈ
આઈટીસી લિમિટેડે પોતાના સીએસઆર પ્રોજેક્ટ – ભારતમાં પાંચ વર્ષથી નાની વયના બાળકો પર વિશેષ રૂપે કેન્દ્રિત અને બાળ કુપોષણના ઉકેલને સમર્પિત પહેલ ‘બાલપોષણ’ના બીજા તબક્કાની જાહેરાત કરે છે. ન્યુટ્રિહબ, આઈસીએઆર- ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મિલેટ્સ રિસર્ચ અને મમતા હૅલ્થ ઈન્સ્ટિટ્યૂટ ફૉર મધર ઍન્ડ ચાઈલ્ડના સહયોગમાં આ પ્રોજેક્ટ ગુજરાતના વલસાડ જિલ્લામાં અમલમાં મૂકવામાં આવશે. આ પહેલ આઈટીસી ના મિશન મિલેટ અભિયાનનો ભાગ છે, જેનો ધ્યેય પોષણ સંબંધી ઉણપોના જોખમને ઘટાડવા માટે ચાલી રહેલી વિવિધ સરકારી પહેલોમાં યોગદાન આપવાનો છે તથા ભારતમાં મિલેટ્લની (જાડાં ધાન્યો) ખેતી અને વપરાશને પ્રોત્સાહન આપવાનો છે.
ન્યુટ્રિહબ- આઈસીએઆર-આઈઆઈએમઆર સાથેની ભાગીદારીમાં આઈટીસી અને મમતા હૅલ્થ ઈન્સ્ટિટ્યૂટ વચ્ચે એક મેમોરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાં બાલપોષણના ધ્યેયો તથા તેના અમલીકરણની યોજનાની રૂપરેખા આપવામાં આવી છે. આ હસ્તાક્ષર કાર્યક્રમમાં હાજર મહાનુભાવોમાં ડૉ. દયાકર રાવ, ન્યુટ્રિહબના સીઈઓ, ન્યુટ્રિહબ અને આઈસીએઆ-આઈઆઈએમઆરના મુખ્ય વિજ્ઞાની, હેમંત મલિક – ડિવિઝનલ ચિફ ઍક્ઝિક્યુટિવ – ફૂડ્સ, આઈટીસી લિમિટેડ, ડૉ. શાંતનુ શર્મા, ડેપ્યુટી ડિરેક્ટર મમતાનો સમાવેશ થતો હતો. બાળ કુપોષણના નિર્મૂલન માટે આ સંસ્થાઓ સાથે મળી ને કાર્ય કરવાની તેમની પ્રતિબદ્ધતાઓ પર આ એમઓયુમાં ભાર આપવામાં આવ્યો છે, આ સાથે જ ‘કુપોષણ મુક્ત ભારત’ – કુપોષણથી મુક્ત રાષ્ટ્રના વ્યાપક દૃષ્ટિકોણ પર પણ તેમાં વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.