ફાસ્ટટેગના બેલેન્સને લઈને સામાન્ય ભૂલ હોય તો ટોલનાકાના કર્મચારીઓ વાહન ચાલકો સાથે દાદાગીરી કરી તેમની સાથે દુરવ્યવહાર કરતા હોવાની ફરિયાદ
અમદાવાદ
અમદાવાદ ઝાલોદ હાઈવે પર આવેલા પિઠાઈ ટોલનાકા પર ફાસ્ટટેગ ધારકો સાથે ટોલ બુથના કર્મચારીઓ દ્વારા ખોટી રીતે દાદાગીરી કરાતી હોવાની ફરિયાદ સામે આવી છે. ફાસ્ટટેગને લીધે વાહનચાલકોએ લાંબી લાઈનમાં ઊભા ન રહેવું પડે એવો સરકારનો ઈરાદો હોવા છતાં ટોલ બુથના કર્મચારીઓ વાહન ચાલકોની ફાસ્ટટેગના રિચાર્જમાં સામાન્ય ભૂલના મુદ્દાને મોટો બનાવીને તેમને યોગ્ય માર્ગદર્શન આપવાના બદલે ડરાવી ધમાકાવીને પજવતા હોવાનું જાણવા મળ્યું છે. બાલાસિનોરમાં આવેલા ડાયનાસોર ફોસિલ પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે અને સરકાર પણ આ સ્થળેને વિકસાવવા પ્રતિબધ્ધ છે ત્યારે અમદાવાદથી બાલાસિનોર જતા રસ્તામાં આવતા પિઠાઈ ટોલ પ્લાઝા વાહનચાલકો માટે સંઘર્ષનું સ્થળ બની રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.
એક વાહન ચાલકના જણાવ્યા અનુસાર તેઓ થોડા દિવસ પહેલા ડાયનાસોર ફોસિલ પાર્ક ગયા હતા. જતા તો તેમને પિઠાઈ ટોલ પ્લાઝા પર ફાસ્ટટેગને લઈને કોઈ સમસ્યા ન થઈ પરંતુ પાછા વળતી વખતે કોઈક કારણોસર તેમના ફાસ્ટટેગમાં બેલેન્સ ન હોવાનું જણાતા ટોલ પ્લાઝાના કર્મચારીઓએ તેમની સાથે ખુબજ ઉદ્ધત વર્તન કરતા લાઈનમાંથી નિકળી જવા અથવા બમણો ટોલ ભરવા દબાણ કર્યું હતું. વાહન ચાલક અને તેમની સાથેના તેમના પરિવારજનોએ કર્મચારીઓને બેલેન્સ તરત કરાવી દઈએ છીએ એમ કહેતા પ્લાઝાના કર્મચારી ખાસ કરીને પોતાની રાજુ તરીકે ઓળખ આપનાર શખ્સે દાદાગીરી સાથે બમણો ટોલ ભરવા દબાણ કર્યું હતું. ટોલની બારી પણ ખાસ ટ્રાફિક ન હોવા છતાં લાંબી લાઈન લાગી હોવાનું કહી વિવાદ કરી રીતસર ધાક ધમકી આપી લાઈનમાંથી પાછા નિકળવાની ફરજ પાડી હતી. આ દરમિયાન વાહન ચાલકે બેલેન્સ કરાવ્યું હોઈ પરંતુ તે થોડી મિનિટો બાદ રિફલ્કેટ થતું હોઈ વારંવાર કર્મચારીઓને ચેક કરવા કહ્યું પણ તેઓ હવે તમારે બહાર ઊભા રહેવું પડશે અને કલાક બાદ તમારો વારો આવશે એમ કહી ઉગ્ર બોલાચાલી કરી હતી.
રાજુ નામના શખ્સના વર્તનથી હેબતાઈ ગયેલા વાહન ચાલક અને તેના પરિવારે પોલીસ બોલવવા કહ્યું તો પણ પ્લાઝાના કર્મચારીઓએ થાય તે કરી લો એમ કહીને વધુ આક્રમકતા સાથે વાહન ચાલકના પરિવાર સાથે વર્તન કર્યુ હતું. અંતે ભારે કકળાટ બાદ વાહનને સ્કેન માટે લઈ જવાતા ટોલ કપાઈ જતા વાહન જવા દેવાયું. આ બબાતે પ્લાઝા પર કોઈ જ મેનેજર કક્ષાનો કર્મચારી હાજર નહતો અને જે હતા બધા ટપોરી જેવા હતા જેઓ કોઈક ને કોઈક બહાના હેઠળ વાહન ચાલકોની ભૂલો ગોતીને તેમને પરેશાન કરવા ઊભા હોય એમ જણાતું હતું. મળતી માહિતી મુજબ આ ટોલ પ્લાઝા પર અવારનવાર કર્મચારીઓ અને વાહન ચાલકો વચ્ચે નજીવી બાબતોને લઈને તકરાર થતી હોય છે. વાહન ચાલકો આ બાબતે ખોટી ઝંઝટમાં પડવાના લીધે સત્તાવાર ફરિયાદ કરવાનું ટાળે છે. જોકે, વાહન ચાલકોની માગણી છે કે આ પ્લાઝા પર કોઈ વિવેકબુધ્ધિવાળા કર્મચારીને ફરજ સોંપાય જેથી નિર્દોષ વાહન ચાલકો પરેશાન ન થાય.