કારગિલ હિલ કાઉન્સિલની 26 સીટો પર 88 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા

લદાખ
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટવા અને રાજ્યની પુનઃરચના બાદ કેન્દ્રશાસિત પ્રદેશ લદાખના કારગિલમાં પહેલીવાર ચૂંટણી યોજાવા જઈ રહી છે. લદાખ ઓટોનોમલ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલની આ ચૂંટણીમાં કારગિલ હિલ કાઉન્સિલની 26 સીટો માટે 10 સપ્ટેમ્બરે મતદાન થવાનું છે. આ વખતે આમ આદમી પાર્ટીએ તેના ઉમેદવારો ઉતારતાં ચૂંટણી અંગે ચર્ચા થવા લાગી છે.
માહિતી અનુસાર કારગિલ હિલ કાઉન્સિલની 26 સીટો પર 88 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. હિલ કાઉન્સિલની સત્તા માટે ભાજપ, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ વચ્ચે ત્રિકોણીય મુકાબલો છે. નેશનલ કોન્ફરન્સના ઉમેદવારો અપક્ષ તરીકે લડશે. જ્યારે દિલ્હી અને પંજાબમાં સત્તા ધરાવતી આમ આદમી પાર્ટીએ પણ ચાર બેઠકો પર તેના ઉમેદવારો ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીએ પોએન સીટથી મોહમ્મદ હુસૈનને ચૂંટણી મેદાને ઉતાર્યા છે.
30 સભ્યો ધરાવતી કાઉન્સિલની 26 સીટ માટે યોજાઈ રહેલી ચૂંટણીમાં કોંગ્રેસે સૌથી વધુ 21 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે. ભાજપે 17 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે. ચાર સીટ માટે સભ્યોની પસંદગી નોમિનેશન દ્વારા થાય છે. જોકે આમ આદમી પાર્ટીએ ચાર બેઠક પર ઉમેદવારો ઉતાર્યા છે. આ વખતે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી મેદાને ઝંપલાયા છે.
