વધેલા વીજળી બિલ વિરુદ્ધ મુલતાન, લાહોર અને કરાચી સહિત પાકિસ્તાનના અનેક રાજ્યો અને શહેરોમાં દેખાવો કરાયા
ઈસ્લામાબાદ
પાકિસ્તાનના કાર્યવાહક વડાપ્રધાન અનવર ઉલ હક કાકરે વધેલા વીજળી બિલો પર લોકોના આક્રોશ વચ્ચે એક ઈમરજન્સી બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે અધિકારીઓને વીજળીના બિલોમાં ઘટાડો કરવા માટે આગામી 48 કલાકમાં કોઈ મજબૂત પ્લાન તૈયાર કરવા નિર્દેશ આપ્યો હતો.
માહિતી અનુસાર વધેલા વીજળી બિલ વિરુદ્ધ મુલતાન, લાહોર અને કરાચી સહિત પાકિસ્તાનના અનેક રાજ્યો અને શહેરોમાં દેખાવો કરાયા હતા. તેને ધ્યાનમાં રાખી વધારે પડતી વીજબિલની ફરિયાદોને દૂર કરવા માટે કાકર દ્વારા પીએમ કાર્યાલયે બોલાવેલી ઈમરજન્સી બેઠકમાં નિર્દેશ અપાયો હતો.
તેમણે બેઠકમાં કહ્યું કે અમે ઉતાવળમાં કોઈ પગલું નહીં ભરીએ જેનાથી દેશને નુકસાન થાય. અમે એવા પગલાં ભરીશું જેનાથી રાષ્ટ્રીય ભંડોર પર ભારણ ન વધે અને ગ્રાહકોને સુવિધા રહે. પીએમઓ વતી જારી એક નિવેદનમાં જણાવાયું કે સંબંધિત વિભાગો અને મંત્રાલયો એ અધિકારીઓની વિગતો સોંપે જેમને મફત વીજળીનો લાભ મળી રહ્યો છે. વડાપ્રધાને કહ્યું કે હું દેશનું પ્રતિનિધિત્વ કરું છું. પીએમ હાઉસ અને પાક. સચિવાલયમાં વીજળીના વપરાશને ઘટાડવા માટે ઉપાયો કરવામાં આવે. ભલે મારા રૂમનું એરકંડીશનર બંધ કેમ ન કરવો પડે? જરૂર પડે તો એ પણ કરો.