આ ફીચર આઈઓએસ, એન્ડ્રોઈડ, મેકબુક અને પીસીમાં પણ કામ કરશે, યુઝર્સને ફોન નંબરની પણ જરૂર નહીં પડે
વોશિંગ્ટન
એક્સ(ટ્વિટર)ને ખરીદ્યું ત્યારથી અબજોપતિ ઉદ્યોગપતિ ઈલોન મસ્ક સતત ફેરફારો કરી રહ્યા છે. પહેલા તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું નામ બદલીને બધાને ચોંકાવી દીધા હતા. હવે આજે તેણે એક્સ(ટ્વિટર) પર પોસ્ટ મુકીને મોટા ફેરફારની જાહેરાત કરી છે. ઈલોન મસ્ક થોડા સમય પહેલા એક્સ(ટ્વિટર) પર પોસ્ટ કરી હતી કરી હતી કે એક્સ(ટ્વિટર) યુઝર્સને જલ્દી જ વીડિયો અને ઓડિયો કોલની સુવિધા મળવા જઈ રહી છે.
એક ટ્વીટમાં ઈલોન મસ્કએ કહ્યું કે આ ફીચર આઈઓએસ, એન્ડ્રોઈડ, મેકબુક અને પીસીમાં પણ કામ કરશે. આ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝર્સને ફોન નંબરની પણ જરૂર નહીં પડે. ઈલોન મસ્ક દ્વારા એક્સ(ટ્વિટર)ને અસરકારક વૈશ્વિક એડ્રેસ બુક તરીકે વર્ણવવામાં આવી છે.
ઈલોન મસ્ક દ્વારા ટ્વિટરનું નામ બદલીને એક્સ કર્યા બાદ તેના સક્રિય યુઝર્સમાં આગામી થોડા અઠવાડિયામાં ચાર ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. એપ ઇન્ટેલિજન્સ ફર્મ સેન્સર ટાવરના ડેટા અનુસાર, એક્સ(ટ્વિટર) એપ આ મહિનાની શરૂઆતમાં એકંદર કેટેગરી રેન્કિંગમાં ચાર સ્થાન નીચે 36મા ક્રમે આવી ગઈ છે. આ તેના ઇન્સ્ટોલેશનમાં આઠ ટકાના ઘટાડાને કારણે થયું છે. આઈઓએસ અને એન્ડ્રોઈડ બંનેમાં અનુક્રમે 22 ટકા અને 18 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
ટ્વિટર આ સપ્તાહની શરૂઆતમાં એક્સમાં રિ-બ્રાન્ડ કરવામાં આવ્યું હતું અને તેના યુઝર્સો તરફથી મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી હતી, જેમાંથી કેટલાકએ ક્લાસિક બ્લુ બર્ડ લોગોને છોડી દેવા અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. જો કે નામ બદલાયા બાદ ઊભરતાં બજારો માટે રચાયેલ ટ્વિટર લાઇટ એપના ઇન્સ્ટોલમાં વધારો થયો છે. ટ્વિટર લાઇટના ડાઉનલોડ્સમાં અગાઉની સમયમર્યાદા કરતાં 50 ટકાનો વધારો થયો છે.