મપ્રમાં ભાજપ જનસંપર્ક યાત્રા યોજી રહ્યો છે પણ આ યાત્રામાં રાજ્યના પૂર્વ સીએમ ઉમા ભારતીને આમંત્રણ જ નથી અપાયું

ભોપાલ
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતી પાર્ટી દ્વારા યોજવામાં આવનાર ‘જન આશીર્વાદ યાત્રા’નું આમંત્રણ ન મળવા બદલ એટલે હદે નારાજ થઈ ગયા છે કે તેમણે કહ્યું કે જો હવે આમંત્રણ મળશે તો પણ હું આ યાત્રામાં જોડાવાની નથી.
ખરેખર તો મધ્યપ્રદેશમાં ભાજપ પ્રજા વચ્ચે સરકારની સિદ્ધીઓ પહોંચાડવા માટે જનસંપર્ક યાત્રા યોજી રહ્યો છે પણ આ યાત્રામાં રાજ્યના પૂર્વ સીએમ ઉમા ભારતીને આમંત્રણ જ નથી અપાયું. ભોપાલમાં એક કાર્યક્રમમાં પહોંચેલા ઉમા ભારતીને જ્યારે સવાલ કરાયો તો તેમનું દર્દ છલકાયું હતું. તેમણે કહ્યું કે મને યાત્રામાં ક્યાંય બોલાવાઈ નથી. તેનાથી કોઈ ફેર પડતો નથી, પણ હાં મારા મનમાં એક સવાલ છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાએ જો તેમની સરકાર બનાવડાવી તો મેં પણ એક સરકાર બનાવી હતી.
તેમણે કહ્યું કે 2020માં પેટાચૂંટણી દરમિયાન મને કોરોના થયો હતો. 11 જ દિવસ થયા હતા. પાર્ટીના નેતાઓની અપીલ પર હું ચૂંટણી પ્રચાર કરવા મેદાને ઉતરી હતી. ભાજપને જીત મળવાની જ હતી. પણ મારા લીધે સીટોમાં વધારો થયો હતો.
ઉમા ભારતીએ કહ્યું કે મારે યાત્રામાં જવું નહોતું કેમ કે આ લોકો ડરે છે કે જો હું ત્યાં પહોંચી જઈશ તો બધાનું ધ્યાન મારી તરફ આવી જશે. મારે જવું નહોતું પણ મને આમંત્રણ આપવાની ઔપચારિકતા તો પૂરી કરવી હતી.