બિપરજોયમાં નુકશાન પેટે માગેલા 700 કરોડ કેન્દ્રએ રાજ્યને આપ્યા નથી

Spread the love

ગુજરાત વિધાનસભાના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યોએ સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો, વિપક્ષના સવાલના જવાબમાં સરકારે સ્પષ્ટતા કરી


ગાંધીનગર
જૂન મહિનામાં બિપરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું હતું. જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છ સહતિના વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું. ત્યાર બાદ વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓમાં નુકસાનની સ્થળ આકારણી માટે કેન્દ્ર સરકારની બે ઇન્ટર-મિનિસ્ટેરિયલ સેન્ટ્રલ ટીમ (આઈએમસીટી) ગુજરાતની ચાર દિવસની મુલાકાતે આવી હતી. આ ટીમોએ વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોની રૂબરૂ મુલાકાત કરીને નુકસાન અંગે સ્થળ આકારણી કરી હતી. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડાથી ગુજરાતને રૂ.1797.82 કરોડનું નુકસાન થયુ હોવાની કેન્દ્રીય ટીમ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. રાજ્ય સરકારે કેન્દ્ર પાસે 700 કરોડની સહાય માંગી હતી પરંતુ કેન્દ્રએ રાજ્ય સરકારને હજી સુધી કોઈ સહાય ચૂકવી નથી.
આજથી શરૂ થયેલા ગુજરાત વિધાનસભાના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યોએ સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સરકારને સવાલ કર્યો હતો કે, બિપરજોય વાવાઝોડામાં ગુજરાતને થયેલા નુકસાન અંગે કેન્દ્ર સરકારે રાજ્યને કેટલી મદદ કરી છે. ગેનીબેન દ્વારા પુછવામાં આવેલા આ સવાલના જવાબમાં સરકારે કહ્યું હતું કે, રાજ્ય સરકારે કેન્દ્ર પાસે 700 કરોડની સહાય માંગી હતી પરંતુ કેન્દ્ર તરફથી કોઈ સહાય આપવામાં આવી નથી.
બિપરજોય વાવાઝોડા બાદ કેન્દ્ર સરકારની બે ઇન્ટર-મિનિસ્ટેરિયલ સેન્ટ્રલ ટીમ બિપરજોય વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓમાં નુકસાનની સ્થળ આકારણી માટે ગુજરાતની ચાર દિવસની મુલાકાતે આવી હતી. આ ટીમ સમક્ષ ગુજરાત સરકાર દ્વારા બિપરજોય વાવઝોડાથી ગુજરાતમાં થયેલા નુકસાનનો આંકડો રજૂ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં વીજળી અને તેને લગતી સેવાને 909 કરોડથી વધુનું નુકસાન, રોડ અને બિલ્ડીંગ વિભાગને 702 કરોડનું નુકસાન, પોર્ટ અને ટ્રાન્સપોર્ટને 72.72 કરોડનું નુકસાન તો કૃષિને 20 કરોડના નુકસાનની રજૂઆત કરવામાં આવી હતી. બિપરજોય વાવાઝોડાથી કચ્છ અને સૌરાષ્ટ્રના આઠ જિલ્લાના 443 ગામની 19.16 લાખથી વધુ વસતીને અસર થઈ હતી.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *