ભરતી પ્રક્રિયાને પણ ધીમે કરી દીધી, કંપની મુખ્ય ભૂમિકાઓ માટે ભરતી કરવા માટે ટીમના નોંધપાત્ર હિસ્સાને જાળવી રાખશે
નવી દિલ્હી
ગ્રાહક માંગ ઘટવાની આશંકાએ વિશ્વભરમાં મંદીનો ઓછાયો ફેલાઈ રહ્યો છે અને ખાસ કરીને કોરોનાકાળ અને બાદમાં ઝડપથી વૃદ્ધિ પામેલા આઈટી સેક્ટરને ઓટનો સામનો કરવો પડી રહ્યો છે. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટે ફરી એકવાર વૈશ્વિક ભરતી ટીમમાંથી કર્મચારીઓની છટણી શરુ કરી છે. ઉપરાંત તેને તેની ભરતી પ્રક્રિયાને પણ ધીમે કરી દીધી છે. એક અહેવાલ મુજબ, આ મોટા પ્રમાણમાં થયેલી છટણીનો ભાગ નથી પરંતુ તાજેતરમાં સેંકડો કર્મચારીની છટણી કરવામાં આવી છે. કંપની મુખ્ય ભૂમિકાઓ માટે ભરતી કરવા માટે ટીમના નોંધપાત્ર હિસ્સાને જાળવી રાખશે. આ ક્વાર્ટરમાં આલ્ફાબેટ એ પ્રથમ નંબર પર આવતી ‘બિગ ટેક’ કંપની છે જેણે કર્મચારીઓની છટણી કરી છે, જેમાં મેટા, માઇક્રોસોફ્ટ અને એમેઝોન જેવી બીજી મોટી ટેક કંપનીઓએ 2023 ની શરૂઆતમાં મોટા પ્રમાણમાં છટણી કરી હતી.
મોટી ટેક જાયન્ટ કંપનીઓમાં આ વર્ષના શરૂઆતથી જ છટણીનો દોર શરુ થયો હતો. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટે જાન્યુઆરીમાં લગભગ 12,000 કર્મચારીઓની છટણી કરી હતી, જેનાથી તેના કર્મચારીઓની સંખ્યામાં 6 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. એક અહેવાલ મુજબ યુ.એસ.માં છટણી જુલાઈથી ઓગસ્ટ સુધીમાં ત્રણ ગણાથી વધુ અને એક વર્ષ અગાઉ કરતાં લગભગ ચાર ગણી વધી છે. કેટલાક નિષ્ણાતો અનુસાર 8 સપ્ટેમ્બરના રોજ પૂરા થતા સપ્તાહમાં બેરોજગારી લગભગ 9 ટકા વધવાની સંભાવના કરી હતી, જે અગાઉના સાત દિવસના સમયગાળાથી 13,000 ઘટીને 216,000 થઈ ગઈ હતી.
વિશ્વની ચોથા નંબરની સૌથી મોટી એકાઉન્ટન્સી ફર્મ્સમાંની એક ડેલોઇટ પણ ખર્ચ ઘટાડવા માટે સામૂહિક છટણીની તૈયારી કરી રહી છે. મળતા મીડિયા અહેવાલો અનુસાર, આ કંપનીમાં કેટલીક ભૂમિકાઓ પર રહેલા કર્મચારીઓની છટણી કરવાની તૈયારી ચાલી રહી છે. એક અહેવાલ અનુસાર, કંપનીના કુલ 27,000 કર્મચારીઓમાં લગભગ 3% ઘટાડો થવાનો અંદાજ છે.