31 જુલાઈના રોજ નૂહમાં ફાટી નીકળેલી કોમી હિંસા મામલે નોંધાયેલી એફઆઈઆરમાંથી એકમાં તેમનું નામ આરોપી તરીકે છે
નૂહ
હરિયાણાના નૂહમાં થયેલી હિંસા મામલે ફિરોઝપુર ઝિરકાના કોંગ્રેસના ધારાસભ્ય મમ્મન ખાનની ધરપકડ કરવામાં આવી છે. 31 જુલાઈના રોજ નૂહમાં ફાટી નીકળેલી કોમી હિંસા મામલે નોંધાયેલી એફઆઈઆરમાંથી એકમાં તેમનું નામ આરોપી તરીકે છે. ગત અઠવાડિયે નૂહ પોલીસે મમ્મન ખાનની પૂછપરછ કરી હતી. આવતીકાલે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આ સિવાય પોલીસે હરિયાણાના નૂહમાં સાંપ્રદાયિક હિંસા દરમિયાન એક વ્યક્તિ પર ગોળી મારવાના આરોપીની પણ ધરપકડ કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પોલીસે સોહના સિટી પોલીસ સ્ટેશનમાં 31 જુલાઈના રોજ નોંધાયેલી એફઆઈઆરના આધારે મોહમ્મદ કૈફની ધરપકડ કરી હતી. 31 જુલાઈના રોજ નૂહમાં વિશ્વ હિન્દુ પરિષદની શોભાયાત્રા પર ટોળાએ હુમલો કર્યો હતો. હિંસામાં છ લોકો માર્યા ગયા હતા, જેમાંથી મોટાભાગના લોકો શોભાયાત્રા પર થયેલા હુમલા દરમિયાન માર્યા ગયા હતા. ગુરુગ્રામમાં મસ્જિદ પર થયેલા હુમલામાં એક ઈમામનું મોત થયું હતું.
પોલીસને મળેલી ફરિયાદમાં, સોહનાના રહેવાશીએ કહ્યું હતું કે 31 જુલાઈની સાંજે જિમમાંથી પરત ફરતી વખતે તેને પગમાં ઈજા થઈ હતી. તેણે કહ્યું, “સારવાર દરમિયાન જાણવા મળ્યું કે મને પગમાં ગોળી વાગી હતી. કોમી રમખાણો દરમિયાન મારી હત્યા કરવાના ઇરાદે કેટલાક અજાણ્યા લોકોએ મને ગોળી મારી હતી. પોલીસ પ્રવક્તા સુભાષ બોકેને જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલ આરોપીની ઓળખ નૂહના લાહબાસ ગામના રહેવાસી મોહમ્મદ કૈફ તરીકે થઈ છે. તેને શહેરની કોર્ટમાં રજૂ કર્યા બાદ અમે તેના પોલીસ રિમાન્ડની માંગણી કરીશું.
ઉલ્લેખનીય છે કે નૂહ હિંસા મામલે તથા નાસીર તથા જૂનૈદની હત્યા કરવા મામલે ગૌરક્ષક મોનુ માનેસરની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. તેના પર નૂહમાં હિંસા ભડકાવવાનો પણ આરોપ છે.