જાન્યુઆરીથી જૂનના ગાળામાં ભારતીયો દ્વારા 30 લાખ વિઝાની અરજી

Spread the love

કોવિડ અગાઉ 2019માં આખા વર્ષમાં ભારતીયોએ લગભગ 60 લાખ વિઝા અરજીઓ કરી હતી

નવી દિલ્હી

વિઝા એપ્લિકેશન કરવામાં ભારતીયો આ વખતે નવો રેકોર્ડ બનાવશે

ભારતીયો અત્યારે મોટી સંખ્યામાં વિઝાની અરજીઓ કરી રહ્યા છે. જાન્યુઆરીથી જૂન સુધીના છ મહિનાનો રેકોર્ડ જોવામાં આવે તો આ ગાળામાં ભારતીયોએ જુદા જુદા દેશો માટે લગભગ 30 લાખથી વધુ વિઝા અરજીઓ કરી હતી. કોવિડ અગાઉ 2019માં આખા વર્ષમાં ભારતીયોએ લગભગ 60 લાખ વિઝા અરજીઓ કરી હતી. તેની સાથે તુલના કરવામાં આવે તો આ વર્ષે વિઝા એપ્લિકેશનની સંખ્યાને રેકોર્ડ બને તેવી સંભાવના છે.
લગભગ 50થી વધુ દેશોની વિઝા અરજીઓને મેનેજ કરતી કંપની વીએફએસ ગ્લોબલે આ આંકડા આપ્યા છે. 2019માં હજુ કોવિડ આવ્યો ન હતો અને પ્રોસેસમાં પણ કોઈ અવરોધો ન હતા છતાં 60 લાખ અરજીઓ થઈ હતી. આ વર્ષે જે ઝડપથી વિઝા અરજીઓ થઈ રહી છે તેના પરથી લાગે છે કે 2019નો રેકો4ડ આસાનીથી તૂટી જશે.
અત્યારે ભારતીયોને અમેરિકા અને યુરોપ જવામાં વધારે લાંબી પ્રક્રિયાનો સામનો કરવો પડે છે. વિઝાની પ્રોસેસ લાંબી છે અને ઈન્ટરવ્યૂ માટે પણ સમય લાગે છે. છતાં ભારતીયો જરાય હિંમત હાર્યા વગર વિઝાની અરજી કરતા રહે છે. 2019માં સૌથી વધુ વિઝા એપ્લિકેશનનો રેકોર્ડ બન્યો હતો જે 2023માં તૂટશે તેમ લાગે છે.
હાલમાં ભારતીયોને US B1 (બિઝનેસ) અને B2 (વિઝિટર) વિઝા મેળવવામાં વધારે મુશ્કેલી નડે છે. આ વિઝા માટે ભારતીયોએ લગભગ દોઢ વર્ષ સુધી ઈન્ટરવ્યૂની રાહ જોવી પડે છે. આ ઉપરાંત શેંગેન વિઝા માટે પણ આવી જ સ્થિતિ છે. ખાસ કરીને નોર્વે અને સ્વીડનને બાદ કરતા બાકીના દેશોએ વિઝા એપોઈન્ટમેન્ટની સંખ્યા પર નિયંત્રણ મૂક્યું છે. તેના કારણે યુરોપની મુલાકાત લેવા માંગતા માત્ર અડધા ભારતીયોને જ જરૂરી પરમિશન મળે છે.
પોર્ટુગલ, પોલેન્ડ, ઈટલી, ફ્રાન્સ અને જર્મનીમાં વિઝાને લગતા ઈશ્યૂ નડે છે. અમુક પ્રમાણમાં સ્વિટ્ઝર્લેન્ડ અને નેધરલેન્ડના વિઝા પણ મુશ્કેલ છે. શેંગેન વિઝા મોટા ભાગના લોકોને પરેશાન કરી રહ્યા છે અને છતાં વિઝા એપ્લિકેશનની સંખ્યામાં વધારો થયો છે.
કોવિડ પછી થોડો સમય માટે ટ્રાવેલ નિયંત્રણોના કારણે ભારતમાંથી વિઝાની માંગને અસર થઈ હતી. પરંતુ ત્યાર પછી તેમાં ફરીથી ઉછાળો આવ્યો છે. 2021ની તુલનામાં 2022માં વિઝાની માંગમાં 140 ટકાનો વધારો થયો છે. 2019ની તુલનામાં 2022માં માંગ 30 ટકા ઓછી હતી.
કેટલાક દેશો પણ હવે વિઝા આપવા માટે વધારે ઉદાર બન્યા છે. ઉદાહરણ તરીકે ઓસ્ટ્રેલિયાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સએ વીએફએસ ગ્લોબલને દુનિયામાં સાત જગ્યાએ ગ્લોબલ બાયોમેટ્રિક સર્વિસ શરૂ કરવાની મંજૂરી આપી છે, જેમાં ભારત પણ સામેલ છે. આ ઉપરાંત સ્વીડન સાથે પણ વિઝા કોન્ટ્રાક્ટ રિન્યુ થયો છે. તેથી વીએફએસ ગ્લોબલ હવે અમદાવાદ, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ, દિલ્હી અને પૂણેમાં પણ એપ્લિકેશન સેન્ટર પર વિઝાની અરજી સ્વીકારી શકશે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *