ભારતમાં પ્રેસની સ્વતંત્રતા નબળી પડી છે જે કોઈનાથી છુપાઈ નથી અને આ વાત બધા જાણે છે, લોકશાહી માટે પ્રેસની સ્વતંત્રતા મહત્વપૂર્ણ છે અને ટીકા સાંભળવી જ જોઈએઃ રાહુલ

વોશિંગ્ટન
અમેરિકાના પ્રવાસે પહોંચેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી સામે જોરદાર નિશાન સાધ્યું હતું. વોશિંગ્ટનમાં નેશનલ પ્રેસ ક્લબ ખાતે મીડિયાના પ્રશ્નોના જવાબ આપતાં તેમણે કહ્યું કે કર્ણાટકની ચૂંટણી અમે બેરોજગારી અને વધતી મોંઘવારીને કારણે જીતી શક્યા છે. અમે એમ ન કહી શકીએ કે ભારતીય અર્થતંત્ર શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યું છે. હાં તેમણે એમ જરૂર કહ્યું કે હવે વિપક્ષ એકજૂટ થઈ રહ્યું છે અને આગામી 2024માં પીએમ મોદી અને ભાજપનો પરાજય નક્કી છે.
રાહુલે કહ્યું કે આપણે એવી સ્વતંત્ર સંસ્થાનોની જરૂર છે જે કોઈના દબાણમાં ન આવે. સંસ્થાઓની સ્વતંત્રતા પર સકંજો કસવામાં આવી રહ્યો છે. ભારતમાં પ્રેસની સ્વતંત્રતા નબળી પડી રહી છે, જે કોઈનાથી છુપાયેલો નથી અને આ વાત બધા જાણે છે. મને લાગે છે કે લોકશાહી માટે પ્રેસની સ્વતંત્રતા મહત્વપૂર્ણ છે અને ટીકા સાંભળવી જ જોઈએ. આ માત્ર પ્રેસની સ્વતંત્રતાનો મામલો નથી, દરેક જગ્યાએ આવી સ્થિતિ જોવા મળી રહી છે. સંસ્થાગત માળાખા પર સકંજો કસાઈ રહ્યો છે.
મુસ્લિમો વિશે વાત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે તમામ ભારતીયોને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને તેમના ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતાનો અધિકાર છે. તેમણે કહ્યું કે ભાજપ નફરતને પ્રોત્સાહન આપે છે અને સમાજમાં ભાગલા પાડે છે. સરકારી સંસ્થાનો અને મીડિયા પર ચોક્કસપણે કબજો જમાવી લેવાયો છે. મેં દેશભરમાં ભારત જોડો યાત્રા યોજી હતી જેમાં મને લોકોનો ગુસ્સો દેખાયો હતો.
રાહુલે કહ્યું કે એ વાત સાચી છે કે ચીને અમારી જમીન પર કબજો જમાવ્યો છે અને તે તદ્દન અસ્વીકાર્ય છે. ચીનના કબજા હેઠળના અમારા પ્રદેશ પર મને ખબર નથી કે પીએમ કેમ અલગ રીતે વિચારે છે. ભારતમાં પહેલેથી જ ખૂબ જ મજબૂત સિસ્ટમ છે. જોકે આ સિસ્ટમ નબળી પડી ગઈ છે. પરંતુ એવું નથી કે ત્યાં કોઈ વ્યવસ્થા નથી. જો લોકતાંત્રિક સંવાદ શક્ય બનશે તો આ મુદ્દાઓ આપોઆપ ઉકેલાઈ જશે. ભાજપ સરકારના શાસનમાં વધતી મોંઘવારી અને રેકોર્ડ બેરોજગારીને કારણે સંપત્તિમાં તફાવત ઉભો થયો છે. પીએમ મોદી આર્થિક મોરચે જે હાંસલ કર્યાનો દાવો કરે છે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.
દિલ્હીમાં સેવા બાબતે કેન્દ્રના વટહુકમ પર કેજરીવાલનું સમર્થન કરવા પર તેમણે કહ્યું કે આંતરિક ચર્ચા ચાલી રહી છે. વિપક્ષ એકજૂટ છે. અમે ભાજપને હરાવીશું. મને નથી લાગતું કે પીએમ મોદી 2024 જીતશે. તમે પણ ગણિત પર ધ્યાન આપશો તો સમજાશે. ભારતમાં લડાઈ ચાલી રહી છે. એક વિઝન છે, એક ધ્રુવીકરણ વિઝન છે, જેનો ભાજપ પ્રચાર કરી રહ્યો છે. એક બીજું વિઝન છે જે સર્વસમાવેશક લોકશાહી છે અને તે ઘણું મોટું છે. પાર્ટીના ભૂતપૂર્વ પ્રમુખ 52 વર્ષીય ગાંધીએ કહ્યું, “મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટી આગામી બે વર્ષમાં ખૂબ જ સારું પ્રદર્શન કરશે. આગામી ત્રણ કે ચાર રાજ્યોની ચૂંટણીઓ માટે રાહ જુઓ અને તમે જોશો કે કંઇક શ્રેષ્ઠ થવાનું છે.
અહીં વાતચીતમાં રાહુલ ગાંધીએ મુસ્લિમ લીગને ધર્મનિરપેક્ષ ગણાવી હતી. તેના પર ભાજપે આક્રમક વલણ અપનાવ્યો હતો. ખરેખર તો અમેરિકાની પ્રેસ ક્લબમાં રાહુલ ગાંધીને સવાલ કરાયો કે તમારી પાર્ટીનું કેરળમાં ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ સાથે ગઠબંધન છે? તો તેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે મુસ્લિમ લીગ સંપૂર્ણપણે ધર્મનિરપેક્ષ છે. તેના વિશે કંઈ પણ બિન ધર્મનિરપેક્ષ નથી.