સંઘ શિક્ષા વર્ગના ત્રીજા વર્ષના સમાપન સમારોહને સંબોધતા આરએસએસના વડાએ કહ્યું કે પૂજા કે ઈબાદત કરવાની પદ્ધતિ અલગ હોવા છતાં આપણા પૂર્વજો અહીંના હતા એ હકીકત આપણે સ્વીકારવી પડશે
નાગપુર
વિવિધતાને દેશની તાકાત ગણાવતા સંઘના વડા મોહન ભાગવતે રાજકીય પક્ષોને સલાહ આપી છે કે તેઓ સત્તા માટે મર્યાદા ન ભૂલે. સંઘ શિક્ષા વર્ગના ત્રીજા વર્ષના સમાપન સમારોહને સંબોધતા આરએસએસના વડા ભાગવતે કહ્યું કે પૂજા કે ઈબાદત કરવાની પદ્ધતિ અલગ હોવા છતાં આપણા પૂર્વજો અહીંના હતા એ હકીકત આપણે સ્વીકારવી પડશે. વિદેશી આક્રમણકારો આપણા પૂર્વજો ન હતા.
સંઘ પ્રમુખે કહ્યું કે, દેશની જૂની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરવા માટે મહત્વપૂર્ણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ રાજકીય પક્ષોએ સત્તા માટે હદ વટાવવાનું વલણ છોડવું પડશે. સંઘ પ્રમુખે કહ્યું કે વિદેશી આક્રમણ પહેલા પણ સાંસ્કૃતિક વિવિધતા આપણી સંસ્કૃતિનો એક ભાગ હતી. જેના કારણે અહીં યહૂદીઓ, પારસીઓ અને તમામ સંપ્રદાયોને સ્થાન મળ્યું. દુઃખની વાત એ છે કે સેંકડો વર્ષની ગુલામી પછી વિદેશી આક્રમણકારો તો ગયા પણ તેમની પહેલાંની સાંસ્કૃતિક વિવિધતાને સ્વીકારવાની સંસ્કૃતિ અહીં પાછી આવી નથી.
સંઘ પ્રમુખે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નામ લીધા વગર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે દેશની બહાર એવા દુશ્મનો છે જે ભારતને અપમાનિત કરે છે. રાહુલ હાલ અમેરિકામાં છે અને ભાજપ પર નિશાન સાધીને લોકતાંત્રિક મૂલ્યોને ઠેસ પહોંચાડવાનો તેમના પર આરોપ લગાવ્યો છે. ભારત એક એવો દેશ છે જે વિવિધતાઓનું આદર કરે છે. ભાગવતે કહ્યું કે સનાતત ધર્મ વિદેશી આક્રમણ પહેલા પણ વિવિધતાનું આદર કરતો ધર્મ રહ્યો છે. સ્પેનથી મોંગોલિયા સુધી ઇસ્લામિક આક્રમણનો ભોગ બન્યા. ભારતમાંથી વિદેશી આક્રમણકારો ગયા, તેમ છતાં આ દેશમાં ઇસ્લામ સંબંધિત તમામ ઈબાદતની પ્રક્રિયાઓ સુરક્ષિત છે.
સંઘ પ્રમુખે કહ્યું કે વિશ્વ ગુરુ બનવા માટે આપણે આપણી ક્ષમતા અને દિશાને સમજવાની જરૂર છે. આપણે દુનિયાને જણાવવાનું છે કે આપણે સાંસ્કૃતિક અને ધાર્મિક વિવિધતાના કારણે અલગ નથી, રાષ્ટ્રના પ્રશ્ને આપણે એક છીએ. વિવિધતા એ હિન્દુત્વનો સામાન્ય વારસો છે. આ માટે દરેકે કંઈક ને કંઈક છોડવું પડશે અને કંઈક બલિદાન આપવું પડશે.
સંઘના વડાએ કહ્યું કે આત્મબળના અભાવે ભારતમાં વિદેશીઓ દ્વારા ઘણા હુમલા થયા છે. આપણને સેંકડો વર્ષો સુધી ગુલામ તરીકે રાખવામાં આવ્યા. એનું કારણ એ છે કે આપણે આપણાઆત્માને ભૂલી ગયા છીએ. વિદેશી આક્રમણને ભૂલીને આપણે સ્વીકારવું પડશે કે આપણા પૂર્વજો વિવિધ પૂજા પદ્ધતિઓ હોવા છતાં અહીંના હતા. આપણે ગુલામી અને આક્રમણ પહેલા વિવિધ સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વિવિધતાને સ્વીકારવી પડશે અને માનવું પડશે કે આપણા પૂર્વજો એક હતા.