ભારતે કેનેડિયન લોકો માટેના વિઝા હાલ પૂરતા સ્થગિત કર્યા

Spread the love

કેનેડામાં હાઈ કમિશન અને કોન્સ્યુલેટ દ્વારા સામનો કરવામાં આવી રહેલા સુરક્ષા જોખમોને જોતા સામાન્ય કામગીરીમાં વિક્ષેપ પડ્યો છેઃ વિદેશ મંત્રાલયના પ્રવક્તા

નવી દિલ્હી

કેનેડા અને ભારત વચ્ચે રાજદ્વારી સબંધો વણસ્યા છે. કેનેડાએ ખાલિસ્તાન તરફી વલણ દાખવતાં કેન્દ્રએ સરકારે મોટો નિર્ણય લીધો છે. ખાલિસ્તાન સમર્થક નિજ્જર  હત્યા કેસ મામલે ભારત-કેનેડાના સંબંધમાં ખટાશ જોવા મળી રહી છે. એવામાં આજે  વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, કેનેડિય લોકો માટેની વિઝા પ્રોસેસને હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે.

કેનેડામાં વિઝા સેવાઓ પર, એમઈએના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, કેનેડામાં હાઈ કમિશન અને કોન્સ્યુલેટ દ્વારા સામનો કરવામાં આવી રહેલા સુરક્ષા જોખમોથી તમે બધા વાકેફ છો. આનાથી તેમની સામાન્ય કામગીરીમાં વિક્ષેપ પડ્યો છે. હાઈ કમિશન અને કોન્સ્યુલેટ્સ અસ્થાયી રૂપે પ્રક્રિયા કરવામાં અસમર્થ છે. માટે હાલમાં કેનેડિયન લોકોને ભારતના વિઝા નહીં મળે. અમે આ પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છીએ. 

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ વિવાદ વચ્ચે આજે કરેલી પ્રેસ કોન્ફરન્સ કહ્યું કે, કેનેડા આતંકવાદીઓનું આશ્રયસ્થાન બની ગયું છે, પાકિસ્તાન તેને મદદ કરી રહ્યું છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા બાગચીએ કહ્યું કે, હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંડોવણીના આરોપ રાજકીય પ્રેરિત છે. હકીકતમાં, તાજેતરમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ દાવો કર્યો હતો કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટનો હાથ હોઈ શકે છે. જોકે, ત્યારબાદ વિદેશ મંત્રાલય દ્વારા આ આરોપોને ફગાવી દેવાયા હતા.

ભારત-કેનેડા વચ્ચે ઉભા થયેલો ગજગ્રાહ નવી ચરમસીમાએ પહોંચ્યો છે. ખાલિસ્તાની નેતાની હત્યાનો આરોપ ભારત સરકાર પર લગાવ્યા બાદ કેનેડા સાથેના ભારતના સંબંધો વણસી રહ્યાં છે. બંને દેશોએ એક બીજાના રાજદ્રારીની હકાલપટ્ટી કર્યા બાદ હવે આજે સવારના અહેવાલ અનુસાર ભારતે કેનેડાવાસીઓને આપવામાં આવતા વિઝા સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે.

કેનેડિયનોને આપવામાં આવતા ભારતના વિઝા પર સસ્પેન્શનની જાહેરાત બાદ સ્થિતિ વધુ વણસી રહી હોવાના સંકેત મળી રહ્યાં છે. જોકે અગાઉ હવે 1 વાગ્યાના સુમારે આ વિઝા સસ્પેન્ડ કરવાની જાહેરાત કરનાર કેનેડા વિઝા સર્વિસ સંભાળતી કંપની બીએલએસ ઈન્ટરનેશનલે એકાએક સવારે બહાર પાડેલ નોટિસ હટાવી દીધી હતી. કંપનીની વેબસાઈટ પરથી કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ સસ્પેન્ડ કરવા અંગેની નોટિસ પાછી ખેંચી લીધી હતી. 

બીએલએસ ઇન્ટરનેશનલ, વિઝા સુવિધાઓ ઓફર કરતી ભારતીય કંપનીએ અગાઉ કહ્યું હતું કે કેનેડામાં ભારતીય મિશનની નોટિસમાં “આગામી સૂચના સુધી” વિઝા સેવાઓ સ્થગિત કરવા માટે “ઓપરેશનલ કારણો” ટાંકવામાં આવ્યા છે.

જોકે હવે આ અસમંજસની સ્થિતિમાં સૌની નજર ભારત સરકાર એટલેકે વિદેશ મંત્રાલય તરફ છે. ન્યૂઝ એજન્સી દ્વારા ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાને પૂછવામાં આવેલા પ્રશ્નોનો જવાબ નહોતો આપ્યો.

મંગળવારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ હાઉસ ઓફ કોમન્સમાં જણાવ્યું હતું કે, કેનેડાની સુરક્ષા એજન્સીઓ કેનેડિયન નાગરિક હરદીપસિંહ નિજ્જરની હત્યા અને ભારત સરકારની સંભવિત સંડોવણીના વિશ્વસનીય આરોપોની સક્રિય તપાસ કરી રહી છે. હરદીપસિંહ નિજ્જરની હત્યાના દોષિતોને ન્યાયના કઠેડામાં ઊભા કરવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા જરૂરી પગલાં લેવાશે.  

જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે કેનેડાએ ભારત સરકારના ટોચના અધિકારીઓ અને સુરક્ષા અધિકારીઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે. ગયા સપ્તાહે મેં જી-૨૦માં વ્યક્તિગતરૂપે સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. કોઈપણ કેનેડિયન નાગરિકની અમારી જ ધરતી પર હત્યામાં કોઈ વિદેશી સરકારની સંડોવણી અમારી સંપ્રભુતાનો ભંગ છે. 

કેનેડાના વડાપ્રધાન ટ્રુડો આટલેથી જ રોકાયા નહોતા. તેમના આ નિવેદન પછી કેનેડાએ ભારતના ટોચના રાજદૂત પવન કુમાર રાયને દેશમાંથી નીકળી જવાનો આદેશ આપ્યો હતો. ટ્રુડોએ પવન કુમાર રાયને ભારતની ગુપ્તચર સંસ્થા રૉના એજન્ટ ગણાવ્યા હતા. 

વિદેશ મંત્રી મેલાની જોલીએ કહ્યું કે, ટ્રુડોની વાત સાચી સાબિત થાય તો તે અમારી સંપ્રભુતા અને એકબીજા સાથેના સંબંધોના પાયાના નિયમોનો ભંગ ગણાશે તેથી અમે ભારતના ટોચના ડિપ્લોમેટને કાઢી મૂક્યા છે. પીએમ ટ્રુડો આ બાબત અમેરિકન પ્રમુખ બાઈડેન સમક્ષ પણ ઉઠાવી ચૂક્યા છે. હરદીપ નિજ્જરની ૧૮ જૂને ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.

કેનેડા ભારતનું 17મું સૌથી મોટું વિદેશી રોકાણકાર છે. કેનેડાએ વર્ષ 2000થી 3.6 બિલિયન ડોલરથી વધુનું રોકાણ કર્યું છે. ભારતીય શેરબજાર અને ડેટ માર્કેટમાં કેનેડિયન પોર્ટફોલિયો રોકાણકારોનું અબજો ડોલરનું રોકાણ છે.

આ સિવાય 2018થી કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ભારત સૌથી મોટો સ્ત્રોત દેશ છે. કેનેડિયન બ્યુરો ઓફ ઈન્ટરનેશનલ એજ્યુકેશનના ડેટા અનુસાર 2022માં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 47% વધીને લગભગ 320,000 થઈ ગઈ છે અને કુલ વિદેશી વિદ્યાર્થીઓના લગભગ 40% હિસ્સો ભારતીય ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *