આરોપી માતા વિકલાંગ છે અને તેમનો ઈલાજ ચાલી રહ્યો છે, હજુ મહિલાની ધરપકડ કરવામાં નથી આવી

મુંબઈ
દેશની આર્થિક રાજધાની મુંબઈના મુલુંડથી એક કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે. 39 દિવસ પહેલા જન્મેલી માસૂમ બાળકીને તેમની માતાએ 14માં માળેથી ફેંકી દઈને કરૂણ ઘટનાને અંજામ આપ્યો છે. આરોપી માતા વિકલાંગ છે અને તેમનો ઈલાજ ચાલી રહ્યો છે.
મુલુંડમાં એક મહિલાએ પોતાની 40 દિવસની બાળકીને ઉઠાવીને 14માં માળની બાલકનીમાંથી નીચે ફેંકી દીધી છે. ત્યારબાદ બાળકીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી હતી. આ ઘટનાની સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મહિલા વિરુદ્ધ બાળકીની હત્યાનો કેસ દાખલ કરી લીધો છે. જોકે, હજુ મહિલાની ધરપકડ કરવામાં નથી આવી.
આરોપી મહિલાની માનસિક સ્થિતિ ઠીક નથી. તે બોલી પણ નથી શકતી અને સાંભળી પણ નથી શકતી. એટલા માટે હજુ સુધી ઘટનાનું કારણ સ્પષ્ટ નથી થયું. પોલીસે જણાવ્યું કે, આ ઘટના મુલુંદ વેસ્ટના જેવર રોડ પર બની હતી. ત્યાં એક સોસાયટીમાં રહેતી દિવ્યાંગ મહિલા 14માં માળે પરિવાર સાથે રહેતી હતી. 40 દિવસ પહેલા જ તેણે પુત્રીને જન્મ આપ્યો હતો.
બાળકીના જન્મને 40 દિવસ જ થયા હતા.પરંતુ આ 40 દિવસમાં તેમના ઘરમાં કંઈક એવી સ્થિતિ સર્જાઈ કે ગુસ્સામાં આવીને મહિલાએ પોતાની માસૂમ બાળકીને 14માં માળેથી નીચે ફેંકી દીધી. એવી પણ માહિતી મળી રહી છે કે, પુત્રી થવાના કારણે તેમના ઘરમાં વિવાદ ચાલી રહ્યો હતો. જો કે, પોલીસ હજુ સુધી આ મામલે કંઈપણ કહેવાનો ઈનકાર કરી રહી છે કારણ કે તેમના કહેવા પ્રમાણે આ ઘટનાનું કારણ હજુ સુધી સંપૂર્ણ રીતે જાણી શકાયું નથી. અને મહિલા સંપૂર્ણ સ્વસ્થ નથી તે બોલવા અને સાંભળવામાં અસમર્થ છે તેથી તેની હજુ સુધી યોગ્ય રીતે પૂછપરછ નથી થઈ શકી. વધુમાં પોલીસનું કહેવું છે કે હાલમાં મહિલા સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે.