કેનેડાના દરેક ભાગમાં હિંદુઓએ અમૂલ્ય યોગદાન આપ્યું છે અને તેમનું અહીં હંમેશા સ્વાગત કરવામાં આવશેઃ વિપક્ષના નેતાનું નિવેદન

ટોરેન્ટો
કેનેડામાં ખાલિસ્તાનનો મુદ્દો ચરમસીમા પર છે. સતત નિવેદનબાજી વચ્ચે શીખ ફોર જસ્ટિસના ચીફ પન્નુએ કેનેડાના હિન્દુઓને દેશ છોડવાની ધમકી આપી હતી. હવે આ વીડિયોની નિંદા થઈ રહી છે. કેનેડામાં વિપક્ષના નેતા પિયર પોઈલીવરે હિન્દુના સમર્થનમાં એક વાત કહી છે. તેમને નિવેદનમાં કહ્યું હતું કે, દરેક કેનેડિયન ભય વિના જીવવાને પાત્ર છે. હાલમાં હિન્દુઓને નિશાન બનાવતી દ્વેષપૂર્ણ ટિપ્પણીઓએ ખરેખર નિંદા પાત્ર છે. આપણા દેશના દરેક ભાગમાં હિંદુઓએ અમૂલ્ય યોગદાન આપ્યું છે અને તેમનું અહીં હંમેશા સ્વાગત કરવામાં આવશે.
કેનેડાના વિપક્ષી નેતા બાદ ત્યાંના સાંસદ અને ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના વડાએ પણ હિન્દુઓને લઇ એક વાત કરી હતી. જગમીત સિંહે કેનેડામાં રહેતા હિન્દુઓને કહ્યું છે કે, આ તમારું પોતાનું ઘર છે અને તમે અહીં રહેવાના હકદાર છો.
એસએફજેના કાયદાકીય સલાહકાર પન્નુએ એક વીડિયોમાં કહ્યું કે, ભારતીય મૂળના હિંદુઓનું ઘર ભારત છે. કેનેડા છોડી ભારત જતા રહે. તમે લોકો માત્ર ભારતને જ સમર્થન નથી આપ્યું પરંતુ તમે ખાલિસ્તાન તરફી શીખોના ભાષણ અને અભિવ્યક્તિના દમનને પણ સમર્થન આપ્યું છે.