કોંગ્રેસને સોએ સો ટકા અફસોસ છે કે જ્યારે તે સત્તામાં હતી ત્યારે તે મહિલા આરક્ષણ વિધેયક પસાર કરવામાં અસમર્થ રહી હતી

નવી દિલ્હી
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કોંગ્રેસને સોએ સો ટકા અફસોસ છે કે જ્યારે તે સત્તામાં હતી ત્યારે તે મહિલા આરક્ષણ વિધેયક પસાર કરવામાં અસમર્થ રહી હતી. તેઓએ સ્વીકાર્યું કે, જો તેઓની પાર્ટીએ તે વખતે ઓબીસી મહિલાઓ માટે પણ ક્વોટાની માગણી સ્વીકારી લીધી હોત તો આ કાનુન ૧૦ વર્ષ પૂર્વે જ અમલી બની ગયો હોત.
ઓબીસી સમુદાય માટે ક્વોટાની અંદર ક્વોટાની માગણી સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય જનતા દળ દ્વારા કરાઈ હતી. પરંતુ યુપીએ સરકારનું નેતૃત્વ કરનારી કોંગ્રેસ પાર્ટીએ ત્યારે તે માગણીનો અસ્વીકાર કર્યો હતો. તેથી નારાજ થયેલા સપા અને રાજદે ત્યારે સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું. જો કે તે બિલ ૨૦૧૦માં રાજ્યસભામાં તો પસાર થઈ ગયું હતું.
આમ છતાં રાહુલ ગાંધીએ મોદી સરકારને અન્ય પછાત વર્ગો (ઓબીસી): વિરોધી કહેતાં જણાવ્યું હતું કે, જો કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર આવશે તો નીતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે અને જેની જેટલી વસ્તી હશે તેટલી તેની સરકારમાં ભાગીદારી રહેશે.
રાહુલ ગાંધીએ શુક્રવારે પાર્ટીનાં મુખ્ય મથકે આયોજિત વિશેષ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, તેમને તે જાણીને આશ્ચર્ય થયું હતું કે સરકારમાં જે ૯૦ અગ્રગણ્ય સચિવો છે તેમાં ઓબીસી વર્ગના માત્ર ત્રણ જ સચિવો છે. આ ઓબીસી પ્રત્યે કરાયેલો અન્યાય છે. કોંગ્રેસ સરકાર આવશે ત્યારે તેમને ન્યાય અપાશે.
આ સાથે તેમણે કહ્યું હતું કે, ઓબીસી મુદ્દા અંગે તેમણે સંસદમાં કેન્દ્ર સરકારને સવાલ પૂછયો હતો કે નરેન્દ્ર મોદી સતત દાવો કરે છે કે તેઓ ઓબીસીના હિતેચ્છુ છે. જો તેઓ ખરેખર ઓબીસીના હિતેચ્છુ હોય તો, દેશ ચલાવતા ૯૦ ટોચના સરકારી અધિકારીઓમાં ઓબીસીમાં કેટલા અધિકારી છે, તો જાણવા મળ્યું કે માત્ર ૩ ટોચના સેક્રેટરી છે. આદિવાસી અને દલિત બજેટને કેટલું નિયંત્રિત કરે છે, તો જાણવા મળ્યું છે કે તેમાં માત્ર પાંચ ટકા જ ઓબીસી છે જેઓ બજેટ નિયંત્રિત કરે છે.