બોર્ડે મામલો શાંત કરવાને બદલે તેને વધુ લંબાવ્યો છે જે ખૂબ જ નિરાશાજનક છે. આવું બિલકુલ ન થવું જોઈએઃ વોર્નરનો આક્ષેપ
સિડની
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પહેલા ઓસ્ટ્રેલિયા ક્રિકેટમાં હંગામો મચી ગયો છે. ટીમના ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નરે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડ પર આકરા પ્રહારો કર્યા હતા. એક ઈન્ટરવ્યુમાં વોર્નરે કહ્યું હતું કે બોર્ડે જે રીતે મારી કેપ્ટનશીપ પરના પ્રતિબંધ પર કામ કર્યું છે તે અપમાનજનક છે. બોર્ડે મામલો શાંત કરવાને બદલે તેને વધુ લંબાવ્યો છે જે ખૂબ જ નિરાશાજનક છે. આવું બિલકુલ ન થવું જોઈએ.
વોર્નર પર વર્ષ 2018માં કેપ્ટનશીપ માટે આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે તેની આચારસંહિતામાં કેટલાક ફેરફારો કર્યા હતા, જે અંતર્ગત વોર્નર પર લાગેલા પ્રતિબંધને હટાવવાની અપીલ કરવામાં આવી હતી. જોકે બોર્ડે હજુ સુધી તેની અપીલ પર સંપૂર્ણ રીતે કોઈ નિર્ણય આપ્યો નથી. પોતાના ઈન્ટરવ્યુમાં વોર્નરે કહ્યું, ‘આ સમગ્ર મામલાને કારણે હું મારી રમત પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. ટેસ્ટ મેચ દરમિયાન મને સતત ફોન આવતા હતા અને રમત પર ધ્યાન આપવાને બદલે મારે વકીલો સાથે વાત કરવી પડતી હતી. તે મારા માટે અપમાનજનક છે અને હું ખૂબ જ નિરાશ છું.
વોર્નરે ગયા વર્ષે નવેમ્બરમાં અપીલ દાખલ કરી હતી. આ અપીલમાં વોર્નરે માંગ કરી હતી કે તેના પર લગાવવામાં આવેલ કેપ્ટનશીપનો પ્રતિબંધ હટાવવામાં આવે. આ સમગ્ર મામલા પર પોતાની વાત રાખતા વોર્નરે કહ્યું હતું કે, ‘તેમનો ઈરાદો મને અપમાનિત કરવાનો હતો. હું ઈચ્છું છું કે પેનલ મારી અપીલને એક બંધ રૂમમાં સાંભળે પરંતુ તેઓ જાહેરમાં તેની ચર્ચા કરવા માગે છે. જે બિલકુલ યોગ્ય નથી.
આ સમગ્ર મામલો વર્ષ 2018નો છે જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગઈ હતી. આ પ્રવાસમાં જ સેન્ડ પેપર ગેટની ઘટના બની હતી. આ ઘટનામાં કેમરન બેનક્રોફ્ટ બોલ પર કંઈક ઘસતો જોવા મળ્યો હતો. આ સમગ્ર મામલામાં તે બોલ ટેમ્પરિંગમાં સામેલ હોવાનું જાણવા મળ્યું હતું અને કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પણ આમાં સામેલ હતા. તે દરમિયાન સ્મિથ અને વોર્નર ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન અને વાઇસ કેપ્ટન હતા. આ પછી બંને પર એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જ્યારે બેનક્રોફ્ટ પર 9 મહિનાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પ્રતિબંધમાં વોર્નર પર આજીવન કેપ્ટનશીપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.