આફ્સાએ એવો કાયદો છે જે કોઈપણ પૂર્વ માહિતી અથવા ધરપકડ વોરંટ વિના કોઈપણ જગ્યાએ કોઈપણની ધરપકડ કરવાની મંજૂરી આપે છે

નવી દિલ્હી
આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (આફ્સા) એ એક એવો કાયદો છે જે સેના અને અન્ય કેન્દ્રીય અર્ધલશ્કરી દળોને દરોડા અને ઓપરેશન ચલાવવાની અને કોઈપણ પૂર્વ માહિતી અથવા ધરપકડ વોરંટ વિના કોઈપણ જગ્યાએ કોઈપણની ધરપકડ કરવાની મંજૂરી આપે છે. તાજેતરમાં આ એક્ટ ચર્ચામાં છે તેની પાછળનું મૂળ કારણ છે કે નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશમાં આફ્સાએક્ટને 1 ઓક્ટોબરથી છ મહિના માટે લંબાવવામાં આવ્યો છે. આ એક્ટ અશાંત વિસ્તારોમાં ‘કાયદો અને વ્યવસ્થા જાળવવા’ માટે લાગુ કરવામાં આવતો હોય છે.
આ અંગે ગૃહ મંત્રાલય તરફથી એક નોટીસ જાહેર કરવામાં આવી છે. જે મુજબ નાગાલેન્ડના કોહિમા જિલ્લાના દીમાપુર, ન્યુલેન્ડ, ચુમૌકેદિમા, મોન, કિફિરે, નોક્લાક, ફેક, પેરેન જિલ્લાઓ અને ખુઝામા, કોહિમા નોર્થ, કોહિમા સાઉથના વિસ્તારોના પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં આવતા વિસ્તારોમાં આફ્સાઆગામી છ મહિના માટે લંબાવવામાં આવી છે.
અગાઉ કેન્દ્ર સરકારે 24 માર્ચના રોજ એક નોટિફિકેશનના માધ્યમથી નાગાલેન્ડના આઠ જિલ્લાના 21 પોલીસ સ્ટેશન વિસ્તારો અને આ સિવાય પાંચ જિલ્લાઓને એપ્રિલથી છ મહિનાના સમયગાળા માટે ‘અશાંત વિસ્તારો’ તરીકે જાહેર કર્યા છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ, નાગાલેન્ડમાં કાયદો અને વ્યવસ્થાની ફરી સમીક્ષા કરવામાં આવી હતી.