નેપાળની ટીમે આ મેચ 273 રનથી જીતી, ટી20 ક્રિકેટમાં રનના મામલે આટલી મોટી જીત કોઈ ટીમને નથી મળી
હાંગઝોઉ
એશિયન ગેમ્સ 2023માં નેપાળની ક્રિકેટ ટીમે અને તેના ખેલાડીઓએ એક-બે નહી પરંતુ 5 વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. નેપાળની ટીમે ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટનો સૌથી મોટો સ્કોર ઉભો કર્યો હતો. આ ઉપરાંત ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી સદી અને સૌથી ઝડપી ફિફ્ટી સિવાય સૌથી વધુ છગ્ગા પણ આ જ મેચમાં ફટકારવામાં આવ્યા હતા.
નેપાળ અને મંગોલિયા વચ્ચે એશિયન ગેમ્સ 2023ની લીગ મેચ રમાઈ હતી. આ મેચમાં નેપાળે ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટનો સૌથી મોટો સ્કોર 314/4 બનાવ્યો હતો. પહેલી વખત કોઈ ટીમે ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 300 રનથી વધુનો સ્કોર ઉભો કર્યો હતો. આ સિવાય નેપાળની ટીમે આ મેચ 273 રનથી જીતી હતી. ટી20 ક્રિકેટમાં રનના મામલે આટલી મોટી જીત કોઈ ટીમને નથી મળી. મંગોલિયાની ટીમ 315 રનના જવાબમાં માત્ર 41 રનમાં સમેટાઈ ગઈ હતી.
નેપાળની ટીમે આ જ મેચમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો. નેપાળ પહેલા અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝની ટીમના નામે સૌથી વધુ 22-22 છગ્ગા ફટકારવાનો રેકોર્ડ હતો પરંતુ હવે નેપાળની ટીમના નામે કુલ 26 છગ્ગા ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. આ ઉપરાંત ટી20 ઇન્ટરનેશનલમાં નેપાળના બેટ્સમેન કુશળ મલ્લાએ સૌથી ઝડપી સદી પણ ફટકારી છે. તેણે માત્ર 34 બોલમાં સદી ફટકારી હતી. આ પહેલા રોહિત શર્મા અને ડેવિડ મિલરે 35-35 બોલમાં સદી ફટકારી હતી. આ સિવાય નેપાળ ક્રિકેટ ટીમના બીજા બેટ્સમેન દીપેન્દ્ર સિંહ એરીએ માત્ર ટી20 ઇન્ટરનેશનલની જ નહી પરંતુ ઇન્ટરનેશનલ ક્રિકેટની સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી હતી. તેણે માત્ર 9 બોલમાં આ કારનામું કરી બતાવ્યું હતું.
નેપાળ વિ.મંગોલિયા મેચમાં બનેલા વર્લ્ડ રેકોર્ડ
સૌથી ઝડપી સદી- કુશળ મલ્લા, 34 બોલમાં
સૌથી ઝડપી ફિફ્ટી- દીપેન્દ્ર સિંહ એરી, 9 બોલમાં
ટીમ દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધુ રન- નેપાળ, 314 રન
સૌથી વધુ છગ્ગા- નેપાળ, 26 છગ્ગા
સૌથી મોટી જીત- નેપાળ, 273 રનથી જીતી