લોહીમાં લથબથ અને દુષ્કર્મનો ભોગ બનેલી કિશોરી અર્ધનગ્ન હાલતમાં ઉજ્જૈનની શેરીઓમાં મદદ માગવા કલાકો સુધી ભટકતી જોવા મળી

ઉજ્જૈન
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક 12 વર્ષની કિશોરી પર હેવાનિયત ગુજારાયાનો કિસ્સો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. લોહીમાં લથબથ અને દુષ્કર્મનો ભોગ બનેલી કિશોરી અર્ધનગ્ન હાલતમાં ઉજ્જૈનની શેરીઓમાં મદદ માગવા કલાકો સુધી ભટકતી જોવા મળી હતી. જોકે કોઈએ તેની મદદ નહોતી કરી. છેવટે પોલીસે તેની મદદ કરી.
આ ઘટના અંગે સીસીટીવી સામે આવ્યા હતા જેમાં આ છોકરી તેના શરીરને ઢાંકવા માટે લોકો પાસે કપડું માગતી જોવા મળી રહી છે પરંતુ કોઈ તેની મદદ કરતું દેખાતું નથી. પછી મહાકાલ પોલીસ સ્ટેશન ક્ષેત્રના વડનગર રોડ પર મુરલીપુરા પોલીસ તેની મદદે આવી અને તેને હોસ્પિટલ પહોંચાડાઈ હતી. પોલીસે આ મામલે તપાસ કરવા એસઆઈટીની રચના કરી છે. બાળકીને જ્યારે હોસ્પિટલે લઈ જવામાં આવી તો ત્યાં તેની સાથે દુષ્કર્મની ઘટનાની પુષ્ટી થઈ હતી. તેના પ્રાઈવેટ પાર્ટ્સ પર ગંભીર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. વધારે લોહી વહી જવાને લીધે તેને ઈન્દોર રિફર કરવામાં આવી હતી. ત્યાં તેને લોહી ચઢાવાયા બાદ તેની હાલત હવે સ્થિર છે. આ કિશોરી ઉત્તરપ્રદેશના પ્રયાગરાજની હોવાની માહિતી મળી છે. જોકે હજુ એ સ્પષ્ટ નથી કે તે ઉજ્જૈન કેવી રીતે આવી અને કયા શૈતાને આ ઘટનાને અંજામ આપ્યો હતો.