ફીલીપાઈન્સના માછીમારોને અવરોધ કરનારી વિશેષત: લગૂનની આડે રહેલી આશરે ૧૦૦૦ ફીટ જેટલી લાંબી બેરિયર તોડી નખાઈ
મનીલા
માતેલા સાંઢની જેમ ચીન ચારે તરફ સૌ કોઈને વિશેષત: પાડોશી દેશોને શિંગડાં ભરાવતું આવ્યું છે, દબડાવતું આવ્યું છે. ભારત સામે ડ્રેગને નહોર ભરાવવાનો કરેલો કારસો તેને જ ભારે પડી ગયો, થોડા દાંત પણ તૂટી ગયા. હવે ચીને સમુદ્રમાં પોતાની ‘માયાજાળ ફેલાવવી શરૂ કરી છે અને ઉત્તરે જાપાનથી શરૂ કરી દક્ષિણે ફીલીપાઈન્સ, તાઈવાન, વિયેતનામ, ઈન્ડોનેશિયા અને મલાયેશિયા સુધીના દેશોને દબડાવવા શરૂ કરી દીધા છે. ફીલીપાઈન્સ સામે નવું તૂત ઉભું કરી દક્ષિણ ચીન સમુદ્રમાં ફીલીપાઈન્સ આડે જબરજસ્તી જાળ બિછાવી કહી દીધું હતું કે આ જળ વિસ્તાર અમારો વારસાગત છે. તેની ઉપર અમારૂં સાર્વભૌમત્વ નિર્વિવાદ છે.’
પહેલાં તો ફીલીપાઈન્સ મુંઝાયું પરંતુ તેના માછીમારો માટે તો તે જીવન-મરણનો પ્રશ્ન બની ગયો. ફિલીપાઈન્સની સમુદ્રમાં આવેલી ‘ખંડીય છાજલી’ (શૌલ) ઉપરના જળમાં ફીલીપાઈન્સના માછીમારો માછલી પકડી શકે તેમ ન હોવાથી આખરે તેણે તે આડસ (બેરિયાર) કાપી નાંખી છે.
તે માટે ફીલીપાઈન્સના કોસ્ટગાર્ડે સોમવારે સાંજે જણાવ્યું હતું કે ફીલીપાઈન્સના માછીમારોને અવરોધ કરનારી વિશેષત: લગૂનની આડે રહેલી આશરે ૧૦૦૦ ફીટ જેટલી લાંબી બેરિયર અમે તોડી નાંખી છે.
વાસ્તવમાં ચીને તે બેરિયર પાથરવી શરૂ કરી ત્યારે જ ફીલીપીનો અધિકારીઓએ તેને આંતરરાષ્ટ્રીય કાનૂનના ભંગ સમક્ષ ગણાવી હતી અને સ્કારબરો શોલ (ખંડીય છાજલી) છાજલી આડે રહેલી બેરિયર કાપી નાખી હતી.
આ સાથે દુનિયામાં સૌથી વધુ વિવાદાસ્પદ બની ગયેલો તે જળ વિસ્તારમાં ફીલીપાઈન્સે પોતાનું સાર્વભૌમત્વ સિદ્ધ કરી દીધું છે.
કેટલાક નિરીક્ષકોને આશંકા છે કે ચીન કદાચ તેની નૌસેનાની બોટોથી ફીલીપાઈન્સને દબાવવા પ્રયત્ન કરે. તે સામે અન્ય નિરીક્ષકો કહે છે કે ફીલીપાઈન્સને અમેરિકાનું પૂરૂં પીઠબળ છે તે ચીન જાણે જ છે. તેથી ‘કઠોર’ પગલાં તો નહીં જ ભરે. બીજી તરફ ફીલીપીનો ફીશીંગ બોટસે તેમની કાર્યવાહી શરૂ કરી જ દીધી છે. આ અંગે ચીનનાં વિદેશ મંત્રાલયે કહ્યું, તે જળ વિસ્તાર અમારો છે, અમારો વારસાગત છે. તેની ઉપર અમારૂં નિર્વિવાદ સાર્વભૌમત્વ છે.
વાત સીધીને સાદી છે, કહેવાથી પારકો પ્રદેશ પોતાનો થઈ શકતો નથી તે ડ્રેગને જાણી લેવું જોઈએ.