મહિલાને મારવાના કેસમાં સ્પા માલિક સામે અંતે ફરિયાદ નોંધાઈ

Spread the love

ઘટનાનો વીડિયો વાયરલ થતા અન માધ્યોમોમાં સમાચાર આવ્યા છતાં ફરિયાદ નોંધવામાં પોલીસ દ્વારા વિલંબ

અમદાવાદ 

બોલો! એક તરફ સરકાર નારી વંદના કાર્યક્રમ કરીને મહિલા સન્માનની ગુલબાંગો ફૂંકે છે અને બીજી તરફ મહિલાઓ પર જાહેરમાં ક્રુરતા પૂર્વક અત્યાચારો મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં ત્રણ ત્રણ દિવસ નીકળી જાય છે. અમદાવાદ શહેરમાં ગઈકાલે સિંધુભવન વિસ્તારમાં સ્પામાં કામ કરતી એક મહિલાને સ્પાના માલિક દ્વારા જાહેરમાં હેવાન બનીને માર મારતો વીડિયો વાયરલ થયાના અહેવાલો ફરતા થયા હતાં. આરોપી સ્પા માલિકે યુવતી સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી યુવતીના કપડાં પણ ફાડી નાખ્યા હતા જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. આ ઘટના બાદ યુવતીએ અમદાવાદ શહેર પોલીસને 100 નંબર પર ફોન કરી મદદ પણ માંગી હતી પણ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરાઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. આ યુવતી પોલીસ સ્ટેશન પહોંચી તો પોલીસે એવો જવાબ આપ્યો હતો કે, “હાલ સાહેબ નથી, પછી આવજો”.

આ ઘટનાના વીડિયો સમાચાર માધ્યમો અને સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને ત્રણ દિવસ બાદ આરોપી સામે કાર્યવાહી શરૂ કરી હતી. હવે ખુદ પોલીસે મીડિયાને કહ્યું હતું કે, અમે હાલ ભોગ બનનાર યુવતીની શોધખોળ કરી રહ્યાં છે. જો તે મળશે તો તેની પુછપરછ કરીને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. સુત્રો એવું પણ જણાવી રહ્યાં છે કે, આ યુવતીને ઘટનાની રાત્રે પોલીસે બંદોબસ્તના નામે તગેડી મુકી હતી. સુત્રોના મતે આરોપી સ્પાના માલિકને પોલીસ બચાવી રહી છે. આખરે સમાચાર માધ્યમોમાં આ સમાચાર વહેતા થતાં પોલીસ ઊંઘમાંથી જાગી હતી અને આરોપી સ્પા માલિક સામે ફરિયાદ નોંધી હતી. 

પોલીસે ફરિયાદ નોંધાયા બાદ યુવતીનો એક વીડિયો જાહેર કર્યો હતો. આ વીડિયોમાં યુવતી કહી રહી છે કે, આરોપી યુવક મોહસીન હુસેન રંગરેજ બન્નેએ ભેગા મળી પાર્ટનરશીપમાં સ્પા ખોલ્યું હતું જેમાં પૈસાના વહીવટ બાબતે બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. જે બાદ બોલાચાલી ઉગ્ર થતા યુવકે યુવતી પર હાથ ઉપાડ્યો હતો અને અણછાજતું વર્તન કર્યું હતું. મામલો ઉગ્ર બનતા યુવતીએ 100 નંબર પણ ડાયલ કર્યો હતો. જે બાદ યુવતીનો પોલીસે સંપર્ક કરી ફરિયાદ કરવા માટે સમજાવી હતી. પોલીસ અને મીડિયાનો પણ યુવતીએ આભાર માન્યો હતો”

યુવતીનો જાહેર કરેલ વિડીયો પોલીસની જ કેબિનમાં બનાવવામાં આવ્યો હતો. જેમાં સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે ઘટનાને મીડિયામાં જતી અટકાવવા અને પોલીસની ફરિયાદ બાબતે બેદરકારી છુપાવવા તથા વિવાદોથી બચવા આ વિડીયો બનાવવામાં આવ્યો છે. મોડી રાત્રે સ્પા જેવા ધંધાઓને મંજૂરી છે કે નહીં એ બાબતે પણ પોલીસ અધિકારીઓ જોડે સ્પષ્ટ જવાબ નથી. ત્યારે હવે પોલીસ દ્વારા છાવરવામાં આવતા ધંધા પર ક્યા સુધી આવી રહેમનજર ચાલતી રહેશે એ બાબતે પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. જો કે હાલ તો પોલીસે મોહસીનને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *