ગણેશ વિસર્જન દરમિયાન થયેલા પથ્થરમારામાં પોલીસે પાંચ વ્યક્તિઓને કસ્ટડીમાં ધકેલી દીધા, અન્યોને ઝડપવા ચક્રો ગતિમાન
વડોદરા
સાવલી તાલુકાના મંજુસર ગામમાં ગઈકાલે રાત્રે ગણપતિ વિસર્જન યાત્રા પર પથ્થરમારો થતાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. પોલીસને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક મામલો થાળે પાડવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. આ ઘટનામાં અસામાજિક તત્વો દ્વારા ધાબા પરથી પત્થરમારો કરતાં વીડિયો વાયરલ થયાં છે. પોલીસે 18 ઈસમો સહતિના ટોળા સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે સાવલીના મંજુસર ગામમાં ગણેશ વિસર્જન દરમિયાન થયેલા પથ્થરમારામાં પોલીસે પાંચ વ્યક્તિઓને કસ્ટડીમાં મોકલી દીધા છે. તે ઉપરાંત તોફાન કરનારા અન્ય તોફાનીઓની શોધખોળ ચાલુ કરી દીધી છે. સમગ્ર વિસ્તારમાં પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખી છે. ગિરીશ પંચાલ નામના વ્યક્તિએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેઓ ગામના 100 માણસો સાથે વેરાઈ માતાના ચોકમાંથી ટ્રેક્ટરમાં ગણપતિ લઈને વિસર્જન કરવા નીકળ્યા હતાં. આ દરમિયાન ગરાસિયા મહોલ્લામાં વિસર્જનની યાત્રા પહોંચતા જ પથ્થરમારો શરૂ થયો હતો.
ધાબા પરથી પથ્થરમારો કર્યા બાદ તોફાનીઓ ત્યાંથી નાસી ગયા હતાં અને એવું કહેતા હતાં કે આ લોકોને કાપી નાંખો જીવતા જવા દેવાના નથી. ત્યાર બાદ વસીમ વાધેલા નામનો વ્યક્તિ ધારિયું લઈને આવ્યો હતો. આ દરમિયાન યાત્રામાં નાસભાગ મચી ગઈ હતી. ફરિયાદીએ પોલીસને જાણ કરતાં જ ઘટના સ્થળે પોલીસનો કાફલો આવી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો. પોલીસે પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હાલમાં સમગ્ર ગામમાં અજંપા ભરી શાંતિ જોવા મળી રહી છે. આ મામલે મંજુસર પોલીસે 18 ઈસમો સાથે અન્ય 30ના ટોળા સામે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં હતા.