હાલ સ્થિતિ એવી છે કે હત્યારાઓ કેનેડા જઈને શરણ લઈ શકે છે અને એક શાનદાર જીવન જીવી શકે છેઃ બાંગ્લાદેશના વિદેશમંત્રીનો આક્ષેપ
ટોરેન્ટો
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટુડોએ ભારત પર ગંભીર આરોપ લગાવ્યા બાદ હવે તે ચારેય બાજુએથી ઘેરાયા છે. ભારત પર લગાવેલા પાયાવિહોણા આરોપ બાદ વિશ્વના દેશોએ કેનેડિયન પીએમની ઝાટકણી કાઢી છે ત્યારે હવે આ લિસ્ટમાં બાંગ્લાદેશે પણ કેનેડાની ઝાટકણી કાઢતા પ્રત્યાર્પણ નીતિઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.
બાંગ્લાદેશે કેનેડાને લઈને પોતાનો ગુસ્સો કર્યો છે. બાંગ્લાદેશના વિદેશમંત્રી એકે અબ્દુલ મોમેને દાવો કર્યો છે કે કેનેડા તમામ હત્યારાઓનું કેન્દ્ર ન હોવું જોઈએ. હાલ સ્થિતિ એવી છે કે હત્યારાઓ કેનેડા જઈને શરણ લઈ શકે છે અને એક શાનદાર જીવન જીવી શકે છે. બાંગ્લાદેશે આપેલી આ તીખી પ્રતિક્રિયા બંને દેશો વચ્ચે વધતી કડવાશ તરફ ઈશારા કરે છે કે કેનેડા કેવી રીતે ગુનેગારોનું શરણસ્થાન બની રહ્યું છે અને તે તેના કવચ તરીકે કામ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કેનેડાએ બાંગ્લાદેશના સંસ્થાપક શેખ મુજીબુર રહેમાનના હત્યારા નૂર ચૌધરીના પ્રત્યાર્પણ કરવાનો ઇનકાર કરી દીધો છે જેના બાદમાં બાંગ્લાદેશે કેનેડા પર આકરી પ્રતિક્રિયા આપી છે.
બાંગ્લાદેશના વિદેશમંત્રીએ ભારત સાથેના સંબંધ વિશે વાત કરતા કહ્યું હતું કે અમારા ભારત સાથેના સંબંધો ઘણા સારા છે. આ ઉપરાંત તેણે ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવ પર કહ્યું હતું કે મને આ મુદ્દા વિશે વિગતવાર જાણકારી નથી પરંતુ હું અમારા અને કેનેડા સાથેના મુદ્દા વિશે જાણુ છું. શેખ મુજીબુર્ર રહેમાનના હત્યારો નૂર ચૌધરી કેનેડામાં એક સારુ જીવન જીવી રહ્યો છે અને અમે કેનેડા સરકારને અમારા રાષ્ટ્રપિતાના હત્યારાને પરત મોકલવાની અપીલ કરી રહ્યા છીએ પરંતુ કેનેડા પોતાની જીદ પર અડગ છે અને તે અમારી વાત સાંભળતું નથી અને ખોટા બહાનાઓ બતાવી રહ્યું છે.