અરજીકર્તામાં એક હિન્દુ મહિલા છે જ્યારે બીજી મુસ્લિમ મહિલા છે, જેમના સંબંધને પરિવારજનો સ્વીકાર કરી રહ્યા નથી તેથી તેમને ધમકી અપાય છે
નવી દિલ્હી
દિલ્હી હાઈકોર્ટે એક આંતરધર્મી સમલૈંગિક કપલને તેમના પરિવાર તરફથી તેમના અંગત સંબંધોના કારણે મળી રહેલી ધમકી વચ્ચે દિલ્હી પોલીસને તેમને સુરક્ષા આપવાનો આદેશ આપ્યો છે.
જસ્ટિસ રજનીશ ભટનાગરની સિંગલ બેન્ચે તેમની અરજીને સાંભળતા નિર્ણય કર્યો કે તેઓ તેમને સુરક્ષા આપશે. કપલ તરફથી બેન્ચની સમક્ષ રજૂ થયેલા વકીલ અરુંધતી કાટજૂએ બેન્ચને જણાવ્યુ, એક આંતર-ધાર્મિક સમલૈંગિક કપલને તેમના ધર્મ અને લિંગના આધારે તેમના પરિવાર તરફથી ધમકી મળી રહી છે.
વકીલે બેન્ચને જણાવ્યુ કે અરજીકર્તામાં એક હિન્દુ મહિલા છે જ્યારે બીજી મુસ્લિમ મહિલા છે. જેમના સંબંધને પરિવારજનો સ્વીકાર કરી રહ્યા નથી. બંને પુખ્ત છે અને બંનેએ મળી રહેલી ધમકીઓના આધારે પોલીસ સુરક્ષાની માંગણી કરી છે.
વકીલે જણાવ્યુ કે કપલ પોતાના પરિવારજનોની ધમકીઓના કારણે શેલ્ટર હોમમાં રહેવા મજબૂર છે. કપલે દિલ્હી હાઈકોર્ટની કાનૂની સહાય સમિતિની તરફથી મદદની માંગણી કરી છે. જસ્ટિસ ભટનાગરે બંનેની અરજીને સાંભળ્યા બાદ દિલ્હી પોલીસના સ્થાનિક એચએચઓને આદેશ આપ્યા કે તેઓ તેમને તે બીટના અધિકારીઓના નંબર આપે અને જો આગામી દિવસોમાં તેઓ કોઈ પણ પ્રકારનો ડિસ્ટ્રેસ રિપોર્ટ કરે તો તેમને યોગ્ય સુરક્ષા આપવામાં આવે.
કોર્ટે પોતાના આદેશમાં કહ્યુ, ભવિષ્યમાં જો આવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય છે જેમાં અરજીકર્તા પોતાનું ઘર બદલે છે તો તે સૌથી પહેલા એચએચઓને જણાવશે અને તે એસએચઓ એ નક્કી કરશે કે તે મહિલાઓ જે પણ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા વિસ્તારમાં પોતાનુ ઘર લઈ રહી છે ત્યાંના એસએચઓ સાથે વાત કરી આ વ્યવસ્થાને આગામી દિવસોમાં લાગુ કરશે.