પત્રકારના પોતાને લાગે ન વળગે એવા પ્રશ્નથી ભારતીય સુકાની રોહિત શર્મા અકળાયો
સ્પર્ધામાં ભાગ લેવા આવેલી તમામ 10 ટીમના સુકાનીઓએ કેપ્ટન્સ ડે ઈવેન્ટમાં ખુલ્લા મને વાત કરી, રોહિત અને બાબર આઝમ ચર્ચાના કેન્દ્રમાં રહ્યા
અમદાવાદ
અમદાવાદના આંગણે મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આજથી વન-ડે ક્રિકેટના મહાકૂંભ વર્લ્ડ કપનો પ્રારંભ થશે. ગત વિશ્વ કપની વિજેતા ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચથી સ્પર્ધા શરુ થશે ત્યારે અમદાવાદના ક્રિકેટ પ્રેમીઓમાં શહેરમાં રમાનારી વર્લ્ડ કપની મેચોને લઈને ભારે ઉત્સુકતા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પાકિસ્તાન સામે 14 ઓક્ટોબરના રોજ રમાનારી મેચ ટોક ઓફ ધ ટાઉન છે.
બુધવારે સ્પર્ધાના શુભારંભ સંદર્ભે કેપ્ટન્સ ડે યોજવામાં આવ્યો જેમાં સ્પર્ધામાં ભાગ લેનારી તમામ દસ ટીમના સુકાનીઓ હાજર રહ્યા તથા તેઓએ સ્પર્ધા માટેની તેમની ટીમની તૈયારીઓ, પડકાર સહિતના મુદ્દા પર વાત કરવા ઉપરાંત પત્રકારોના પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા.
રોહિત શર્મા અને બાબર આઝમનું આકર્ષણ
આ સમારોહમાં સ્ટાર એન્કર રવિ શાસ્ત્રી અને ગત વર્લ્ડ કપની વિજેતા ઈંગ્લેન્ડની ટીમના કેપ્ટન ઇયોન મોર્ગને તમામ કેપ્ટન્સને તેમની ટીમની તૈયારીઓ, ટીમ સામેના પડકારો સહિતના મુદ્દા પર વાત કરી જોકે આ દરમિયાન પણ ભારતીય સુકાની રોહિત શર્મા અને પાકિસ્તાનનો સુકાની બાબર આઝમ કેન્દ્રમાં રહ્યા હતા. પત્રકારોમાં પણ આ બન્ને સુકાની જ કેન્દ્રમાં હતા અને તેમને જ વધુ પ્રશ્નો પૂછવામાં આવતા એક સમયે એવી ટકોર પણ કરાઈ હતી કે અહીં દસ ટીમના સુકાની છે અન્ય સુકાનીઓ સાથે તો વાત કરો. જોકે, ગુરૂવારની મેચના બે સુકાનીઓ સિવાયના સુકાનીઓએ તેમની રમતના સ્થળે પાછા ફરવાનું હોઈ આ સંવાદ ટૂંકાવી દેવાયો હતો.
બાબર આઝમને હિન્દીમાં પ્રશ્ન પૂછાયો
રવિ શાસ્ત્રીએ એમ તો તમામ સુકાનીઓ સાથે અંગ્રેજીમાં વાત કરી પરંતુ બાબર આઝમ સાથે વાતની શરૂઆત હિન્દીમાં કરી જોકે, બાબરે પણ શરૂમાં હિન્દીમાં બોલ્યા બાદ તમામ સાથે અંગ્રેજીમાં વાત કરી એ વાત પર પડદો પાડી દીધો હતો કે તેને અંગ્રેજી નથી આવડતું.
હાસ્યાસ્પદ પ્રશ્નથી રોહિત અકળાયો
પત્રકારો સાથેની પ્રશ્નોત્તરી દરમિયાન એક પત્રકારે રોહિતને 2019માં ફાઈનલ ટાઈ અને સુપર ઓવરમાં પણ પરિણામ ન આવતા બાઉન્ડ્રી કાઉન્ટના આધારે ઈંગ્લેન્ડને વિજેતા કરાયાનો મુદ્દો ઉપસ્થિત કરી આ સ્થિતિને ટાળવા શું કરવું જોઈએ એવો ટેક્નિકલ સુધારા બાબતે પ્રશ્ન કરતા રોહિત સહિત હાજર તમામ સુકાનીઓ અને પત્રકારો હસી પડ્યા હતા. જોકે, રોહિતે સહજતાથી આ બાબત તો રમતનું સંચાલન કરનારાઓને પુછવી જોઈએ એમ કહીને વાત પૂરી કરી હતી.
આઈપીએલમાં રમવાનો લાભ ચોક્કસ મળશેઃ બટલર
ઈંગ્લેન્ડના સુકાની જોશ બટલરે કહ્યું હતું કે આઈપીએલમાં ભાગ લેવાને લીધે અનેક ખેલાડીઓ અહિંના વાતાવરણ, પીચ અને પ્રક્ષેકોના વર્તનથી વાકેફ હોઈ તેનો લાભ ચોક્કસ તેમને મળશે. અમારી ટીમના પણ અનેક ખેલાડીઓને આ બાબતનો લાભ થશે. ભારતની પીચોને લાગેવળગે છે ત્યાં સુધી અહીં કેટલાક શ્રેષ્ઠ બેટિંગ ટ્રેક ઉપરાંત કેટલાક ટર્નિંગ ટ્રેક પણ છે પણ અમે આ બાબતને ધ્યાનમાં રાખીને અમારી રણનીતિ નક્કી કરીશું. ટી20ની વન-ડે ક્રિકેટ પર અસર સંદર્ભે તેણે કહ્યું કે ટી20નો રમતની અન્ય ફોર્મેટ પર પણ ચોક્કસ પ્રભાવ પડ્યો છે જોકે, વન-ડે ક્રિકેટમાં પરિસ્થિતિ સાથે અનુકૂળ થવાની બાબત પરિણામ પર અસર કરશે. ગત વખતની વિજેતા ટીમના સુકાનીએ 50 ઓવર ફોર્મેટની આસપાસ તેની કારકિર્દી રહી છે તેથી તે આ સ્પર્ધા માટે ખૂબજ આતુર છે એમ કહ્યું હતું.
ટીમ ઈન્ડિયા દબાણના પડકારના સામના માટે સજ્જ છે
ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ ઘરઆંગણે સ્થાનિક પ્રેક્ષકો સહિતના દબાણ સંદર્ભે કહ્યું કે ઘરઆંગણે રમતા હોઈએ ત્યારે લોકોની અપેક્ષાઓનું વધારાનું દબાણ હોય એ સ્વભાવિક છે પરંતુ ટીમના દરેક સભ્ય આ દબાણના પડકારના સામના માટે સજ્જ છે. ટીમ માટે ઘરઆંગણે કે બહાર રમવામાં કોઈ ફેર નથી. દબાણ કોઈ પણ ખેલાડીનો ક્યારેય પીછો છોડતું નથી અને દરેકે તેના માટે તૈયાર રહેવું જ પડે છે. વર્લ્ડ કપમાં ટીમનું નેતૃત્વ કરવા મળ્યું એ માટે હું પોતાને નસીબદાર માનું છું. છેલ્લા ત્રણ વર્લ્ડ કપમાં યજમાન ટીમ વિજેતા બને છે એ ટ્રેન્ડને જોતા ભારત માટે કેવી તક જુઓ છો એ બાબતે ભારતીય સુકાનીએ કહ્યું કે આ ટ્રેન્ડ પર વધુ ધ્યાન આપવાનો કોઈ અર્થ નથી અમે સ્પર્ધામાં અમારો શ્રેષ્ઠ પ્રયાસ કરીશું.
બિરિયાની સારી લાગી, અનેક વખત કહી ચૂક્યો છુઃ બાબર આઝમ
પાકિસ્તાનના સુકાનીને રવિ શાસ્ત્રીએ ટીમને ભારતમાં મળેલા આવકાર, આતિથ્ય અંગે પૂછતાં તેણે આ તમામ બાબતતી તે ખૂબજ પ્રભાવિત હોવાનું કહ્યું હતું. જોકે, આ દરમિયાન શાસ્ત્રીએ તને હૈદ્રાબાદમાં બિરયાની કેવી લાગી એવો હળવો સવાલ કરતા આઝમે કહ્યું હતું કે આ બાબતે હું અગાઉ અનેક વખત કહી ચૂક્યો છું કે સારી હતી. સપ્તાહથી અમારી ટીમ ભારતમાં છે ત્યારે અમને એવું નથી લાગી રહ્યું કે અમે પાકિસ્તાનમાં નથી. અમને અહીં ઘર જેવું જ લાગી રહ્યું છે. અમે અહીં રમતને માણવા આવ્યા છીએ અને સ્પર્ધામાં અમારા 100 ટકા પ્રયાસ આપીશું.