અધિકારી દ્વારા કરાયેલા ગોળીબાર અને ગ્રેનેડ વિસ્ફોટમાં 3 અધિકારી સહિત ઓછામાં ઓછા 5 સૈન્યકર્મી ઘવાયા હતા

જમ્મુ
જમ્મ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ગુરુવારે એક સૈન્ય કેમ્પમાં એક અધિકારી દ્વારા કરાયેલા ગોળીબાર અને ગ્રેનેડ વિસ્ફોટમાં 3 અધિકારી સહિત ઓછામાં ઓછા 5 સૈન્યકર્મી ઘવાયા હતા. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી હતી.
સૂત્રોના જણાવ્યાનુસાર મેજર રેન્કના એક અધિકારીએ ગોળીબારના અભ્યાસ દરમિયાન કોઈપણ પ્રકારની ઉશ્કેરણી વગર જ આ હુમલાને અંજામ આપ્યો હોવાનું મનાય છે. તેણે પોતાના સહયોગીઓ પર ગોળીબાર કરી દીધો અને પછી યુનિટના હથિયારોના સંગ્રહસ્થાને જઈને છુપાઈ ગયો હતો. જ્યારે તેને આત્મસમર્પણ કરવા કહેવાયું તો તેણે વરિષ્ઠ અધિકારી સહિતના જવાનો પર હેન્ડ ગ્રેનેડ વડે હુમલો કરી દીધો હતો.
સૂત્રો અનુસાર આઠ કલાકની મહામહેનતે તેને પકડી લેવામાં સફળતા મળી હતી. આ ઘટના થાનામંડી નજીક નીલી ચોકી પર બની હતી. સૈન્યએ સાવચેતીના પગલાં સ્વરૂપે હથિયારોના સંગ્રહ સ્થાન નજીક એક ગામને ખાલી કરાવ્યું હતું. જોકે સૈન્યએ દાવો કર્યો કે રાજૌરીમાં એક ચોકી પર સંભવિત ગ્રેનેડ હુમલામાં એક અધિકારી ઘવાયા હતા. સૈન્યની વ્હાઈટ નાઇટ કોરે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું કે 5 ઓક્ટોબરે રાજૌરી સેક્ટરમાં એક ચોકી પર ગ્રેનેડ હુમલામાં એક અધિકારી ઘવાયા હતા. જોકે આ કોઈ આતંકી હુમલો નથી તેવો ખુલાસો કરાયો હતો.