150થી વધુ ઘેટાં બકરાં બળીને ખાક થઈ ગયા, મોડાસા ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગને કાબૂમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા

મોડાસા
શામળાજી હાઈવે પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. બામણવાડ પાસે બકરાં ભરેલી ટ્રક વીજલાઈનને અડી જતાં અચાનક સળગી ઉઠી હતી. જેમાં એક બાળક સહિત ત્રણ વ્યક્તિ અને 150થી વધુ ઘેટાં બકરાં બળીને ખાક થઈ ગયા હતાં. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી અને સળગી ઉઠેલા ટ્રક પરની આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો પ્રમાણે મોડાસાના બામણવાડ પાસેથી ઘેટાં બકરાં ભરેલી એક ટ્રક પસાર થતી હતી. આ ટ્રક વીજતારને અડકી જતા ટ્રકમાં એકાએક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. ટ્રક આગની લપેટમાં આવી જતા ટ્રકમાં રહેલાં 150 જેટલાં ઘેટાં-બકરાં બળીને ભડથું થઈ ગયાં હતા. બકરાની જાળવણી માટે ટ્રકમાં રહેલા એક બાળક સહિત ત્રણ લોકો પણ બહાર નીકળી નહીં શકતાં તેમના મોત નિપજ્યાં હતાં.ઘટનાની જાણ મોડાસા નગરપાલિકા ફાયર વિભાગને કરાતાં ટીમનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગને કાબૂમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા હતા. મોડાસા અને ટીંટોઇ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.