85 રનની મહત્વપૂર્ણ ઈનિંગ્સ બાદ આઉટ થતા કોહલી ગુસ્સે થયો

Spread the love

વિરાટ કોહલી આઉટ થયો હતો ત્યારે તે પોતાના ગુસ્સા પર કાબૂ રાખી શક્યો ન હતો, ડ્રેસિંગ રૂમમાં બેસીને તે પોતાના માથા પર હાથ મારતો જોવા મળ્યો

ચેન્નાઈ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે વન-ડે વર્લ્ડ કપ 2023ની પાંચમી મેચ ચેપોકમાં રમાઈ હતી. ભારતે આ મેચમાં 6 વિકેટથી જીત નોંધાવી હતી. મેચ દરમિયાન જયારે વિરાટ કોહલી આઉટ થયો હતો ત્યારે તે પોતાના ગુસ્સા પર કાબૂ રાખી શક્યો ન હતો. ડ્રેસિંગ રૂમમાં બેસીને તે પોતાના માથા પર હાથ મારતો જોવા મળ્યો હતો. વિરાટના ગુસ્સાનો આ વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે 116 બોલમાં 85 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. જયારે ભારતને જીત માટે 33 રનની જરૂર હતી ત્યારે તેણે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. તે જોશ હેઝલવુડની ઓવરમાં લાબુશેનના હાથે કેચ આઉટ થયો હતો. જો તેણે આ ભૂલ ન કરી હોત તે સહેલાઇથી પોતાની 48મી સદી પૂરી કરી શકતો હતો. પોતાની આ જ ભૂલને લઈને તે ગુસ્સે થયો હતો. ડ્રેસિંગ રૂમમાં પહોંચતા જ જયારે તેણે પોતાના શોટનો રિપ્લે જોયો તો તે ખુબ જ નિરાશ થયો હતો.

ભારતે વન-ડે વર્લ્ડ કપ 2023ના અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામે જીતથી કરી છે. ભારતીય બોલરોએ ઓસ્ટ્રેલિયાને માત્ર 199ના સ્કોર પર ઓલઆઉટ કરી દીધું હતું. વિરાટ કોહલી (85) અને કે.એલ રાહુલ (97)ની શાનદાર ઇનિંગના કારણે ભારતને જીત મળી હતી. જો કે એક સમયે ભારતીય ટીમ માત્ર 2 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ મુશ્કેલ પરિસ્થિતિમાં હતી. ત્યારબાદ કોહલી અને રાહુલની 165 રનની ભાગીદારીએ ભારતને જીત આપવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *