શાહરૂખ ખાને મહારષ્ટ્ર સરકારને લેખિતમાં ફરિયાદ કરી હતી કે પઠાન અને જવાન પછી તેને સતત જાનથી મારી નાખવાની ધમકી આપતા ફોન આવી રહ્યા છે
મુંબઈ
બોલીવૂડના બાદશાહ શાહરૂખ ખાન માટે વર્ષ 2023 ખુબ જ સારું રહ્યું છે. જાન્યુઆરીમાં રિલીઝ થયેલી તેની ફિલ્મ પઠાને બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી હતી. ત્યારબાદ 7 સેપ્ટેમ્બરે રિલીઝ થયેલી શાહરૂખની ફિલ્મ જવાનને પણ દર્શકોએ ખુબ પસંદ કરી હતી. બોક્સ ઓફિસ પર ફિલ્મ જવાને પણ જબરદસ્ત કમાણી કરી છે. જો કે આ દરમિયાન શાહરૂખના ફેન્સને ચિંતિત કરનાર સમાચાર આવી રહ્યા છે. મળેલ અહેવાલ મુજબ શાહરૂખ ખાનને સતત જાનથી મારવાની ધમકીઓ મળી રહી હતી જે પછી મહારાષ્ટ્ર સરકારે તેની સુરક્ષા વધારી દીધી છે.
શાહરૂખ ખાનને આપવામાં આવેલી સુરક્ષા અંગે મહારાષ્ટ્ર પોલીસે નિવેદન આપતા જણાવ્યું કે ‘શાહરૂખ ખાનને કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકીઓ મળ્યા બાદ મહારાષ્ટ્ર સરકારે તેને વાય+ સિક્યોરીટી આપીને તેની સુરક્ષા વધારી છે. શાહરૂખ ખાને મહારષ્ટ્ર સરકારને લેખિતમાં ફરિયાદ કરી હતી કે ‘પઠાન’ અને ‘જવાન’ પછી તેને સતત જાનથી મારી નાખવાની ધમકી આપતા ફોન આવી રહ્યા છે.’
શાહરૂખ ખાન પહેલા બોલીવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાનને પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળતા વાય+ સિક્યોરીટી આપવામાં આવી હતી. વાત કરીએ શાહરૂખ ખાન અને નયનતારા સ્ટારર ફિલ્મ જવાનની તો આ ફિલ્મે ઇન્ડિયન બોક્સ ઓફિસ પર 600 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે.