બેટિંગમાં 2 અને બોલિંગમાં 3 ભારતીય ખેલાડીઓ ટોપ 10માં સામેલ છે

નવી દિલ્હી
વન-ડે વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી 14 મેચ રમાઈ છે. આ દરમિયાન ઘણાં ઉલટફેર જોવા મળ્યા છે. વન-ડે વર્લ્ડ કપ 2023માં બેટિંગ અને બોલિંગમાં ટોપ 10 ખેલાડીઓમાં ભારતના પાંચ ખેલાડીઓનું નામ સામેલ છે. ટોપ 10માં રોહિત શર્માથી લઈને જસપ્રીત બુમરાહ સુધીના નામનો સમાવેશ થાય છે. બેટિંગમાં 2 અને બોલિંગમાં 3 ભારતીય ખેલાડીઓ ટોપ 10માં સામેલ છે. જો ટોપ 10 બેટ્સમેનોની વાત કરીએ જેઓએ વન-ડે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવ્યા છે તો તેમાં 2 ભારતીય, 2 ન્યુઝીલેન્ડના ખેલાડી, 2 સાઉથ આફ્રિકાના ખેલાડી, બે ઇંગ્લેન્ડના ખેલાડી અને એક-એક શ્રીલંકા અને પાકિસ્તાનના ખેલાડીનું નામ સામેલ છે.
સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની લિસ્ટમાં ટોપ પર પાકિસ્તાની બેટ્સમેન મોહમ્મદ રિઝવાન છે. તેણે ત્રણ ઇનિંગમાં 248 રન બનાવ્યા છે. બીજા નંબરે 229 રન સાથે ડેવોન કોન્વે છે. ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા 217 રન સાથે આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે. ક્વિન્ટન ડી કોક 209 રન સાથે ચોથા અને કુસલ મેંડિસ 207 રન સાથે પાંચમાં નંબરે છે. ડેવિડ મલાન 186 રન સાથે છટ્ઠા જયારે રચિન રવિન્દ્ર 183 રન સાથે સાતમાં સ્થાને છે. ઇંગ્લેન્ડ ટીમનો ખેલાડી જો રૂટ 170 રન સાથે આઠમાં નંબરે છે. એડન માર્કરમ 162 રન સાથે નવમાં જયારે વિરાટ કોહલી 156 રન સાથે દસમા નંબરે છે.
બોલિંગની વાત કરવામાં આવે તો ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ લિસ્ટમાં ટોપ પર છે. બુમરાહે વન-ડે વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી 8 વિકેટ ઝડપી છે. મિચેલ સેન્ટનર બીજા જયારે મેટ હેનરી ત્રીજા નંબર પર છે. બંને બોલરોએ 8-8 વિકેટ ઝડપી છે. ચોથા નંબર પર પાકિસ્તાનનો હસન અલી છે, તેણે 7 વિકેટ ઝડપી છે. શ્રીલંકાનો દિલશાન મધુશંકા 7 વિકેટ સાથે પાંચમાં નંબરે છે. છટ્ઠા નંબરે રવિન્દ્ર જાડેજા અને સાતમાં નંબર પર કુલદીપ યાદવ છે. આ બંને ખેલાડીઓએ 5-5 વિકેટ ઝડપી છે. ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક આઠમા નંબરે, શાકિબ અલ હસન નવમા જયારે રીસ ટોપલી 10માં નંબરે છે. આ ત્રણેય બોલરોએ 5-5 વિકેટ ઝડપી છે.