નવા કોસ્ટ સેવિંગ્સ પ્લાન હેઠળ 14,000 નોકરીઓમાં ઘટાડો કરવાનો નિર્ણય, કર્મચારીઓની સંખ્યા 86,000થી ઘટીને 72,000 થઈ જશે

નવી દિલ્હી
એક તરફ ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તો બીજી બાજુ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. આ દરમિયાન 2022થી જ દુનિયાભરમાં મંદી નું સંકટ જોવા મળી રહ્યું છે. જોકે હવે તેની અસર દિગ્ગજ કંપનીઓ પર થઈ રહી છે અને તેના પગલે મોટાપાયે છટણીનો માહોલ સર્જાયો છે.
કર્મચારીઓની છટણી કરવાની યાદીમાં દુનિયાની સૌથી મોટા સર્ચ એન્જિન ગૂગલ થી લઈને ફેસબુકની પેરેન્ટ કંપની મેટા સૌથી આગળ રહી છે. જોકે હવે આ યાદીમાં વધુ એક મોટું નામ નોકિયા ઉમેરાઈ ગયું છે. નોકિયાએ તેના 14,000 કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે.
અહેવાલ અનુસાર ફિનિશ ટેલીકોમ ગિયર ગ્રૂપ નોકિયા (નોકિયા.એચઈ) એ કહ્યું કે ઉત્તર અમેરિકા જેવા બજારોમાં 5જી ડિવાઈસના ધીમા વેચાણને લીધે ત્રીજા ત્રિમાસિકમાં સેલ્સમાં મોટો ઘટાડો થયો છે. વેચાણમાં 20 ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડા બાદ નવા કોસ્ટ સેવિંગ્સ પ્લાન હેઠળ 14,000 નોકરીઓમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે. આ છટણીની સાથે જ કંપનીના વર્તમાન કર્મચારીઓની સંખ્યા 86,000થી ઘટીને 72,000 થઈ જશે.