કેનેડાએ આ નવી ટ્રાવેલ એડવાઈઝરી ભારતમાંથી તેના 41 રાજદ્વારીઓને પરત બોલાવવાના નિર્ણય બાદ જાહેર કરી

ટોરેન્ટો
કેનેડાએ ભારત જનારા તેના નાગરિકો માટે નવી ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. આ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં કેનેડિયન નાગરિકોને ડરાવવા-ધમકાવવામાં આવી શકે છે અને તેમનું શોષણ પણ થઈ શકે છે. કેનેડાએ આ નવી ટ્રાવેલ એડવાઈઝરી ભારતમાંથી તેના 41 રાજદ્વારીઓને પરત બોલાવવાના નિર્ણય બાદ જાહેર કરી છે.
એડવાઈઝરીમાં કેનેડાએ કહ્યું છે કે બેંગ્લુરુ, ચંડીગઢ અને મુંબઈમાં કેનેડાના કોન્સ્યુલેટ જનરલની કામગીરી હાલમાં સ્થગિત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં નાગરિકોએ રાજદ્વારી મદદ માટે નવી દિલ્હી સ્થિત કેનેડાના હાઈ કમિશનનો સંપર્ક કરવો પડશે.
કેનેડાના વિદેશ મંત્રી મેલીન જોલીની પ્રેસ કોન્ફરન્સ બાદ તરત જ કેનેડા સરકારે સેફ્ટી એન્ડ સિક્યુરિટી સેક્શનમાં ભારત પ્રવાસ કરતા તેના નાગરિકો માટે નવી એડવાઈઝરી જારી કરી છે. આ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય મીડિયા અને સોશિયલ મીડિયામાં કેનેડા પ્રત્યે નકારાત્મક ભાવનાઓ દેખાઇ રહી છે અને કેનેડા વિરુદ્ધ દેખાવો કરવામાં આવી શકે છે. દરમિયાન કેનેડિયન નાગરિકોએ રોષ અને શોષણનો સામનો કરવો પડીશ કે છે.
એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી-એનસીઆરમાં અજાણ્યા લોકો સાથે વાત ન કરશો અને તેમની સાથે તમારી અંગત માહિતી શેર ન કરશો. ભીડવાળા વિસ્તારોમાં જવાનું ટાળો અને જાહેર પરિવહનનો ઉપયોગ પણ ટાળો. જ્યારે પણ તમે બહાર જાવ, ત્યારે તમારા મિત્રો અથવા પરિવારને તમારી મુસાફરીની યોજનાઓ વિશે જણાવો. ઉલ્લેખનીય છે કે ગત જૂન મહિનામાં કેનેડાના સરેમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેનેડા સરકારે આ અંગે ભારત પર આરોપ લગાવ્યો હતો. જોકે, ભારતે કેનેડા સરકારના આરોપોને વાહિયાત ગણાવીને ફગાવી દીધા હતા.